નવી દિલ્હી, તા.24 ઃ ભારતીય ટીમના યુવા ખેલાડી તિલક વર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનોખો કીર્તિમાન પોતાનાં નામે કર્યો છે. તિલક હવે એક કેલેન્ડર વર્ષની ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ પકડનારો વિશ્વનો ફિલ્ડર બની ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચ દરમિયાન તિલકે કીવી ઇનિંગ્સની શરૂઆતની ત્રણ ઓવર્સમાં જ ટિમ સિફર્ટ અને ડેરીલ મિચેલના બે કેચ ઝડપ્યા હતા. આ બે શાનદાર કેચ સાથે જ વર્ષ 2026માં તેના કુલ કેચનો આંકડો 26 પર પહોંચી ગયો છે. આ સિદ્ધિ સાથે તેણે ઇન્ડોનેશિયાના ડેનિલ્સન હાવોનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે વર્ષ 2025માં 25 કેચ પકડીને આ વૈશ્વિક રેકોર્ડ પોતાનાં નામે કર્યો હતો. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ કેચ ઝડપનારા ફિલ્ડર્સની યાદીમાં હવે તિલક વર્મા 26 કેચ સાથે ટોચ પર બિરાજમાન છે. આ યાદીમાં ડેનિલ્સન હાવો 25 કેચ સાથે બીજા ક્રમે સરકી ગયો છે. યુએઈનો મોહમ્મદ વસીમ વર્ષ 2024માં ઝડપેલા 24 કેચ સાથે ત્રીજાં સ્થાને છે.