સુરતથી ભાગી આવેલા પૂર્વ ડિલિવરી બોયને રૂ. 4.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો; 13 મોબાઈલ સહિત 44 અન્ય ચીજવસ્તુઓ કબજે
ભાવનગર,
તા. 24: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફ્લિપકાર્ટ કંપનીનાં પાર્સલની ચોરીનો ભેદ ઉકેલી
રૂ. 4,60,512નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે સુરતમાં ડિલિવરી બોય તરીકે
નોકરી કરનાર 26 વર્ષીય આરોપી ઋત્વિક વિનુભાઈ મકવાણાને ઝડપી પાડયો છે.
પોલીસ
મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી એલસીબીની
ટીમ મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓની તપાસ કરી રહી હતી. દરમિયાન મોતીબાગ રોડ પર ગંગાજળીયા
તળાવની પાળ પાસે એક શખસ બિલ કે આધાર વગર મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓ વેચતો હોવાની
બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં આરોપી ઋત્વિક મકવાણા પાસેથી શંકાસ્પદ મુદ્દામાલ
મળી આવ્યો હતો. સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન
આરોપીએ સુરત ખાતે ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હોવાનું અને આશરે
15 દિવસ પહેલાં પાર્સલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. કંપનીનો વિશ્વાસ જીતી ગ્રાહકોને
પહોંચાડવા માટે આપવામાં આવતી કિંમતી ચીજવસ્તુઓ ભરેલી બેગ મેળવી તે પાર્સલો ગ્રાહકોને
પહોંચાડવાને બદલે સગેવગે કરી નાસી ગયો હતો.
પોલીસે
આરોપી પાસેથી ગૂગલ, સેમસંગ, વિવો, મોટોરોલા સહિતની કંપનીના કુલ 13 મોબાઈલ ફોન ઉપરાંત
બ્લૂટૂથ, સ્માર્ટ વોચ, ઘડિયાળ, પરફ્યુમ, કપડાં, પાવર બેંક અને એપલ એરપોડ્સ સહિત કુલ
44 પ્રકારની ચીજવસ્તુઓ કબજે કરી છે.