• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

સેબી બોલાવશે સપાટો, નાના રોકાણકારોને લાભ

ટ્રાડિંગ ટર્મિનલનો દુરુપયોગ સામે સકંજો કસશે

નવી દિલ્હી, તા. 25 : શેરબજારમાં ટ્રાડિંગ કરતા રોકાણકારો અને સ્ટોક બ્રોકરો માટે મહત્ત્વના ફેરફારની તૈયારી થઈ રહી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી ટ્રાડિંગ ટર્મિનલના દુરુપયોગને રોકવા માટે નવું માળખું તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત, નાના અને મોટા બ્રોકરો માટે તેમના કદ અને જોખમ પ્રમાણે અલગ નિયમો લાગુ કરવા, શોર્ટ સાલિંગ અને શેર ઉધાર લેવાની વ્યવસ્થાની સમીક્ષા કરવા સહિત કોર્પોરેટ બોન્ડ માર્કેટ અને બાયબેકની પ્રક્રિયા સરળ બનાવવાનાં પગલાં પણ વિચારાધીન છે. 

સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું છે કે, ટ્રાડિંગ ટર્મિનલના દુરુપયોગને રોકવા માટે નવું નિયમનકારી માળખું લાવવામાં આવશે. આ પગલાનો હેતુ શેરબજારમાં પારદર્શિતા વધારવાનો અને નિયમોના ઉલ્લંઘનને રોકવાનો છે.

અહેવાલ અનુસાર, કેટલીક બ્રાકિંગ કંપનીઓ પોતાના ટ્રાડિંગ ટર્મિનલનો ઉપયોગ કરીને અન્ય ટ્રેડરોને સોદા કરવાની સુવિધા આપતી હતી. આ વ્યવસ્થામાં ટ્રેડરો બ્રોકરના ખાતા અથવા ટ્રાડિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને સોદા કરતા હતા અને તેના બદલામાં બ્રોકરો પાસેથી ફી અથવા નફામાં હિસ્સાની લેવડદેવડ થતી હતી. 

આ પ્રકારની વ્યવસ્થાથી સામાન્ય રોકાણકારો માટે લાગુ પડતા માર્જિન અને અન્ય નિયમોને બાજુ પર રાખીને ટ્રાડિંગ થવાની આશંકા ઊભી થાય છે. હવે સેબી આવા દુરુપયોગને રોકવા માટે કડક નિયમો ઘડવાની તૈયારી કરી રહ્યું છે.

હાલમાં નાના અને મોટા બ્રોકરો માટે લાગુ પડતા નિયમોમાં સમાનતા છે. જો કે, સેબી હવે વન સાઇઝ ફિટ્સ ઓલ અભિગમમાં ફેરફાર કરવાની શક્યતા ચકાસી રહ્યું છે. મોટા બ્રોકરો પાસે લાખો ગ્રાહકો અને અદ્યતન ટેક્નોલોજી હોય છે, 

જ્યારે નાના બ્રોકરોનું કામકાજ અને જોખમનું પ્રમાણ અલગ હોઈ શકે છે. તેથી બ્રોકરની કામગીરીનું કદ, ગ્રાહકોની સંખ્યા, ટેક્નોલોજી અને જોખમને ધ્યાનમાં રાખીને અલગ નિયમનકારી માળખું બનાવવાનો વિચાર છે.

સેબી શોર્ટ સાલિંગ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (એસએલબી)ના નિયમોની પણ સમીક્ષા કરી રહ્યું છે. શોર્ટ સાલિંગમાં ટ્રેડર શેરના ભાવમાં ઘટાડાની અપેક્ષાએ પહેલાં શેર વેચે છે અને બાદમાં નીચા ભાવે ખરીદવાનો પ્રયાસ કરે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક