બંને કાન કાપી બે સોનાનાં બૂટિયાં
અને ત્રણ કડી લૂંટી હત્યારા ફરાર
ઉના, તા.25:ગીર સોમનાથ જિલ્લાના
ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે લૂંટ અને મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી
છે. આંગણવાડી નજીક ઘરમાં એકલાં રહેતાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી સોનાનાં ઘરેણાં
લૂંટી લેવામાં આવતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં નવા બંદર પોલીસનો કાફલો
દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, ભીંગરણ ગામનાં
રખમાંઈબેન પીઠાભાઈ બાંભણીયા ઘરે એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર વાડીમાં રહેતો
હતો. આજે બપોરે આશરે 3થી 3:30 વાગ્યાના અરસામાં અજાણ્યા શખસોએ લૂંટના ઇરાદે વૃદ્ધા
પર હુમલો કર્યો હોવાની આશંકા છે. ધારદાર હથિયારથી ગળા પર ઘા ઝીંકી તેમની હત્યા કરવામાં
આવી હતી. ત્યારબાદ બંને કાન કાપી સોનાનાં બે બૂટિયાં અને ત્રણ સોનાની કડી લૂંટી લેવામાં
આવી હતી.
વૃદ્ધાના ઘરે સગાંસંબંધીઓ પહોંચ્યા
ત્યારે તેમનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઈ
પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ એકઠા થયા હતા.
ગામના
સરપંચ જયેશ સોલંકીના જણાવ્યા મુજબ, બપોરે ચાર વાગ્યે ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં
આવી હતી. મૃતકનાં પુત્રવધૂ લલિતાબેને દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દાગીના જોઈતા
હતા તો આપી દીધા હોત, પરંતુ સાસુની હત્યા કરવાની જરૂર નહોતી. નવા બંદર પોલીસે ઘટનાસ્થળે
તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનો હેતુ, આરોપીઓની સંખ્યા અને તેમની ઓળખ અંગે પોલીસ તપાસ
કરી રહી છે.