મહંતસ્વામી
મહારાજ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ઉજવાયો ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર મોરબીનો
લોકાર્પણ સમારોહ
આ મંદિર
તમારા બધાનું છે અહીં દર્શન કરવા આવે તે તને, મને અને ધને સુખી થાય એ ભગવાનને પ્રાર્થના
: મહંત સ્વામી મહારાજ
(ફૂલછાબ
ન્યુઝ)
મોરબી,
તા.25 : આજનો દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણના પહેલા આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ
અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ. આજના શુભ અને અતિ પવિત્ર
દિને મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મોરબીનો પ્રાણપ્રતિષ્ઠા
મહોત્સવ સંપન્ન થયો હતો. આ સમારોહમાં મહંતસ્વામી મહારાજની સાથે ખાસ સહભાગી થવા માટે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના આ પાવન અવસરે મુખ્યમંત્રીએ
ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન-અર્ચન કરી રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી
કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ધર્મસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું
હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરીને
તેને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ સાથે ઔદ્યોગિક વિકાસ થકી સિરામિક
નગરી તરીકે વિશ્વવિખ્યાત મોરબી ખાતે નૂતન મંદિરનાં નિર્માણથી શહેરની સુવિધા અને સુંદરતામાં
અભિવૃદ્ધિ થઈ છે. સિરામિક નગરી હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફ પ્રયાણ કરી રહી છે.
આ તકે
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047નાં સ્વપ્નને સાકાર કરવા
સૌ નાગરિકોને જળ સંચય, એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી તેમજ યોગ
અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું
હતું. આ સાથે જ તેમણે બીએપીએસ સંસ્થાના નશામુક્ત ભારત અભિયાનના પ્રયાસોની સરાહના કરી
વ્યસનમુક્તિનાં સામાજિક કાર્યને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો. વિકસિત ભારત માટે વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પો પાર પાડવા સ્વામીનારાયણ સંપ્રદાયના હરી ભક્તો ઘર સભાઓ
અને સામૂહિક સત્સંગ સભાઓમાં જન જાગૃતિ ફેલાવે તેવું આહ્વાન મુખ્યમંત્રીએ કર્યું હતું.
આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળે મુખ્યમંત્રીએ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના
નવનિર્મિત ગર્ભગૃહમાં વિરાજમાન ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શાસ્ત્રોક્ત
વિધિ-વિધાન સાથે દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રી
મહોત્સવ અંતર્ગત આયોજિત ભવ્ય ધર્મસભામાં સહભાગી બન્યા હતા અને ધર્મસભામાં પધારેલા સંતો-મહંતોના
આશીર્વચન પ્રાપ્ત કરી તેમણે ઉપસ્થિત વિશાળ હરિભક્તો અને ભાવિકોનું અભિવાદન ઝીલ્યું
હતું.
મહંતસ્વામી
મહારાજે પણ આશીર્વચનમાં મુખ્યમંત્રીનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત
કર્યો હતો અને જે કોઈપણ દર્શનાર્થી આ મંદિરના દર્શન કરવા માટે પધારે તે તમામ તને, મને
અને ધને કરીને સુખી થાય એવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. ંપંચમ આરતીમાં તમામ શ્રોતાજનોએ
કુલ 25000 દિવડાઓ સાથે સમૂહમાં આરતી ઉતારી હતી. આ સાથે જ આજના ભવ્ય અને દિવ્ય સમારોહની
પૂર્ણાહુતિ થઈ હતી.
ધૂન
કીર્તન અને આરતી સાથે શરૂ થયેલા આ સમારોહમાં આદર્શ જીવન સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી
મૂળ અક્ષર અને મંદિર પ્રતિષ્ઠાનું મહાત્મ્ય વિષયક વક્તવ્યથી લાભાન્વિત કર્યા હતા. ત્યારબાદ
દ્વિતીય આરતી પૂર્ણ થતા શ્રોતાઓએ છેલ્લા બે દિવસમાં મંદિરમાં થયેલા ઉત્સવની ઝલક વીડિયોના
માધ્યમથી નિહાળી. આ મંદિર દ્વારા સેવા, સંસ્કાર અને શ્રદ્ધાનું સિંચન કેવી રીતે થઈ
રહ્યું છે તે વિષયક વક્તવ્યનો લાભ જ્ઞાનવત્સલ સ્વામી પાસેથી પ્રાપ્ત કર્યો.
મંદિરની
વિશેષતા
- મંદિરની લંબાઈ 203 ફૂટ, પહોળાઈ 130 ફૂટ, ઊંચાઈ
83 ફૂટ તેમજ કુલ મંદિરનું કેમ્પસ આઠ એકરમાં
- મંદિર નિર્માણ માટે બંસીપહાડપૂરનો ગુલાબી તેમજ
લાલ પથ્થર અને અંબાજીના સફેદ માર્બલ મળી કુલ 75,600 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ
- મંદિરમાં કુલ પાંચ ગર્ભગૃહમાં વીરાજીત 17 મૂર્તિઓ
અને સંપૂર્ણ મંદિરમાં અવતારો, દેવો, દેવીઓ, ભક્ત રત્નો, સંતરત્નો કુલ મળીને 1007 મૂર્તિઓ
- મંદિરના અગ્ર ભાગમાં પાંચ ફૂટ પહોળા 12 ફૂટ લાંબા
અને કુલ 18 ફૂટની ઊંચાઈ ધરાવતા ભગવાન સ્વામિનારાયણ રોજા ઘોડા ઉપર શોભી રહ્યા છે
- મંદિરના પ્રથમખંડમાં રાધાકૃષ્ણ ભગવાન, મધ્ય ખંડમાં
ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ ગુણાતીતાનંદ સ્વામી અને ત્રીજા ખંડમાં ભગવાન સ્વામિનારાયણના
બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અને અન્ય ખંડમાં ભગવાન રામચંદ્રજી, માતા સીતા અને હનુમાનજી
તેમજ બીજા ખંડમાં ભગવાન શિવજી, માતા પાર્વતી અને ગણપતિજી સૌને દર્શન દઈ રહ્યા છે
- મંદિર નીચેના પોડિયમમાં ભગવાન સ્વામિનારાયણનું
યુવાસ્વરૂપ, નીલકંઠવર્ણી મહારાજ તેમજ ગુણાતીત ગુરુઓ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ,
યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પધરાવવામાં આવ્યા છે.