રબારીકા રોડ પર અચાનક રસ્તામાં
ખૂંટિયો આવી જતાં અકસ્માત; માથામાં ગંભીર ઈજા થતાં યુવકે જીવ ગુમાવ્યો
જેતપુર,તા.25:જેતપુર શહેર અને
પંથકમાં રખડતાં પશુઓનો ત્રાસ વધુ એક વખત જીવલેણ સાબિત થયો છે. રબારીકા રોડ પર બાઇક
લઈને જઈ રહેલા યુવકની અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલા ખૂંટિયા સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત
સર્જાયો હતો. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજતાં પરિવારમાં શોકની લાગણી
ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સેલુકા ગામનો રહેવાસી રાજુ
વાઘેલા રાત્રે જેતપુરથી બાઇક પર પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રબારીકા રોડ
પર માતા ટ્રાન્સપોર્ટ નજીક અચાનક ખૂંટિયો રસ્તા વચ્ચે આવી જતાં બાઇકચાલક કાબૂ ગુમાવી
રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હેમરેજ થયું હતું
અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર
પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી
હોસ્પિટલમાં ખસેડી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
આ બનાવથી મૃતકના પરિવારમાં શોક
છવાયો છે. બીજી તરફ, શહેરમાં રખડતાં પશુઓને કારણે સર્જાતા અકસ્માતો સામે સ્થાનિકોમાં
રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર રખડતાં પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર દ્વારા
પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.