• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

સુરતમાં 410 કરોડની સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

દુબઈથી ચાલતી ચાઇનીઝ ગેંગ સાથે જોડાણનો ખુલાસો : 338 ફરિયાદોમાં ઠગાઈ થયાનું તપાસમાં સામે આવ્યું

સુરત, તા.24 : સુરત સાયબર ક્રાઇમ સેલે અંદાજે 410 કરોડની ઓનલાઇન છેતરાપિંડીના કેસમાં બે આરોપીને ઝડપી પાડયા છે. પોલીસ તપાસમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું નેટવર્ક દુબઈથી કાર્યરત ચાઇનિઝ ગેંગ સાથે જોડાયેલું હોવાનો ખુલાસો થયો છે.

પોલીસના જણાવ્યા મુજબ, શેરબજારમાં વધુ નફાની લાલચ આપીને ફરિયાદીને ‘એચબી અલ્ટ્રા’ અને ‘આઇઆઇએસએલ સેક’ નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. તેના મારફતે ટ્રાડિંગ એકાઉન્ટ ખોલાવી અલગ-અલગ બેન્ક ખાતામાંથી 23.38 લાખ ટ્રાન્સફર કરાવ્યા બાદ રકમ ઉપાડવા દેવામાં આવી નહોતી.

સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનનાં માર્ગદર્શન હેઠળ પીઆઇ વાય. એસ. સિસોદિયા અને તેમની ટીમે બેન્ક ખાતા તથા મોબાઇલ નંબરની તપાસ કરી અબ્દુલ રહેમાન મોહમદહસીન આકૂકારા (ઉં.વ.23) અને મોહસીનખાન ઉર્ફે ટુક્ષુ શમીમખાન (ઉં.વ.38)ને સિવિલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડયા હતા.

તપાસમાં અબ્દુલ રહેમાને ‘મનસુરી ડિજિટલ ટ્રાડિંગ’ નામે બોગસ પેઢી બનાવી ચાર કરંટ અને 12 બચત ખાતાં ખોલાવ્યાં હોવાનું બહાર આવ્યું છે. આ ખાતાં દ્વારા સાયબર ઠગાઈની રકમની હેરાફેરી થતી હતી. આરોપી યુએસડીટીમાં રકમ ફેરવી કમિશન લઈને ગેંગ સુધી પહોંચાડતો હોવાની પણ માહિતી મળી છે.

પોલીસે 12 મોબાઇલ, 17 ડેબિટ કાર્ડ અને બે ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોબાઇલમાં મળેલા ખાતાંની તપાસ કરતાં વિવિધ રાજ્યોમાં 338 ફરિયાદો સાથે આશરે 410 કરોડની છેતરાપિંડી થયાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક