• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

કિવી છાવણીમાં હલચલ : હેનરી શ્રેણીમાંથી બહાર

ફર્ગ્યુસન અને જેમિસનની ફિટનેસ પર સવાલ

નવી દિલ્હી, તા.25 : ભારત પ્રવાસ પર પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં સતત બે પરાજયનો સામનો કરી ચૂકેલી ન્યૂઝીલેન્ડની ટીમે વાપસી માટે પોતાના પેસ આક્રમણમાં વ્યાપક ફેરફારો કર્યા છે. કિવી ટીમ મેનેજમેન્ટે પોતાના અનુભવી ઝડપી બોલર મેટ હેનરીને બાકીની શ્રેણીમાંથી બહાર કરવાનો આકરો છતાં રણનીતિક નિર્ણય લીધો છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પેસ આક્રમણના અગ્રણી બોલર મેટ હેનરીને ફોર્મના આધારે નહીં, પરંતુ આગામી વન ડે શ્રેણીને ધ્યાનમાં રાખીને ‘વર્કલોડ મેનેજમેન્ટ’ હેઠળ આરામ આપવામાં આવ્યો છે. હેનરી હવે ક્રાઇસ્ટ ચર્ચમાં જ રોકાશે અને વન ડે શ્રેણી શરૂ થવાના બે દિવસ પૂર્વે ઓકલેન્ડ ખાતે ટીમ સાથે જોડાશે.

બીજી તરફ, બીજા મુકાબલા દરમિયાન ઈજાનાં કારણે મેદાન છોડવા મજબૂર બનેલા એક્સપ્રેસ પેસર લોકી ફર્ગ્યુસન ત્રીજી ટી20માં નહીં રમે, જોકે ટીમ મેનેજમેન્ટ અનુસાર તેઓ આખરી બે મેચો પૂર્વે ટીમ સાથે જોડાશે. ઊંચા કદના ઝડપી બોલર કાઇલ જેમિસન ત્રીજો મુકાબલો રમ્યા બાદ વાલિંગ્ટનમાં જ રહેશે અને આખરી બે ટી20માંથી બહાર રહી સીધા વન ડે સેટઅપની તૈયારીઓમાં લાગશે. બાલિંગ રોટેશન પોલિસી હેઠળ ન્યૂઝીલેન્ડે સ્ક્વોડમાં નવા ચહેરાઓને તક આપી છે, જેમાં બ્લેયર ટિકનર બાકીની ત્રણેય મેચ માટે ટીમમાં સામેલ થશે, જ્યારે જોશ ક્લાર્કસન છેલ્લી બે મેચો માટે ટીમનો હિસ્સો બનશે. ત્રીજા મુકાબલા માટે મેટ ફિશરને કવર બોલર તરીકે ટીમ સાથે રાખવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક