ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. 500 કરોડથી વધુનાં આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
(અમારા
પ્રતિનિધિ તરફથી )
અમદાવાદ,
તા. 24: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના હસ્તે રૂ. 500 કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી
વિકાસ પ્રકલ્પોની મહાભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે રાજ્યના આરોગ્ય
ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. સર્વે ભવંતુ સુખીન: સર્વે સંતુ નિરામાયા:’ની ભાવના
સાકાર કરવા તરફ આજે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે.
રાજ્ય
સરકાર દ્વારા પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા
હોલિસ્ટિક હેલ્થ કેરનો અભિગમ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે રૂ. 185 કરોડના
ખર્ચે નવનિર્મિત 255 આરોગ્ય સુવિધાઓનું ઇ-લોકાર્પણ અને રૂ. 347 કરોડના ખર્ચે થનારી
45 નવી આરોગ્ય ક્ષેત્રે વિકાસ કામગીરીઓનું ખાતમુહૂર્ત કરાયું હતું.
મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે, એક સમયે ગંભીર બીમારીનાં કારણે પરિવારો આર્થિક દેવામાં ડૂબી જતા
હતા, પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. 10 લાખ સુધીની મફત સારવાર આપી ગરીબ અને જરૂરિયાતમંદ
નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં 2.87 કરોડથી વધુ નાગરિકોને
આયુષ્માન કાર્ડ એનાયત
કરાયાં
છે.
આરોગ્ય
મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રૂ. 500 કરોડથી વધુના ખર્ચે રાજ્યભરમાં
255 જેટલી આરોગ્ય સંસ્થાનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તથી છેવાડાના નાગરિક સુધી શ્રેષ્ઠ
તબીબી સુવિધાઓ પહોંચશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ. 223 કરોડના ખર્ચે નિર્માણ
પામનારી 58,000 ચોરસ મીટર વિસ્તાર ધરાવતી 525 બેડ અને 13 અદ્યતન ઓપરેશન થિયેટર યુક્ત
ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર જટિલ ન્યૂરો સબંધિત બીમારીઓ માટે સંજીવનિરૂપ
સાબિત થશે.