ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી : હુમલો થશે તો દરિયાઈ ઇન્ટરનેટ કેબલ તોડીશું
તહેરાન,
તા.24 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને હુમલાની ધમકી આપી છે. આ ધમકીના
જવાબમાં ઈરાને ચેતવણી આપી હતી કે, હુમલા કરાશે તો સમુદ્રમાં બિછાવાયેલા ઈન્ટરનેટ કેબલ
કાપી નાખશું. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સંભવિત નવા સૈન્ય હુમલાની અટકળો વચ્ચે
તેહરાને એક અત્યંત આક્રમક અને ખતરનાક ચેતવણી આપી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ,
જો તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ ખાડી દેશોમાં સમુદ્રની અંદર બિછાવેલી
હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન કેબલ્સને નિશાન બનાવશે.
ઈરાની
સૂત્રો અને સુરક્ષા અધિકારીઓના કહેવા મુજબ, જો સંઘર્ષ વણસશે તો ઈરાન માટે કોઈ ‘રેડ
લાઇન’ બાકી રહેશે નહીં. બદલાની કાર્યવાહી રૂપે સમુદ્રની અંદર રહેલા ડેટા અને કોમ્યુનિકેશન
નેટવર્કને નષ્ટ કરવામાં આવશે, જેથી લાંબા સમય સુધી વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ સેવાઓ ઠપ
થઈ શકે. એટલું જ નહીં, ઈરાન આ કેબલ્સને રિપેર પણ નહીં થવા દે તેવી ધમકી આપી છે. યુએનની
ટેલિકોમ્યુનિકેશન એજન્સીના આંકડા સાક્ષી છે કે દુનિયાભરનું 99% ઇન્ટરનેટ ટ્રાફિક આ
સબમરિન/દરિયાઈ કેબલ્સનાં માધ્યમથી જ ચાલે છે. જો આ કેબલ્સ પર હુમલો થાય અથવા તે ક્ષતિગ્રસ્ત
થાય, તો આંતરરાષ્ટ્રીય સ્તરે કમ્યુનિકેશન કટ થઈ શકે છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને
કરોડો-અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
ઈરાનના
ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રેજાઈએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે, જો અમેરિકા હુમલો
કરશે તો માત્ર કેબલ જ નહીં, પરંતુ ખાડી દેશોમાં આવેલી અમેરિકન કંપનીઓના ડેટા સેન્ટર્સ,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમના નિશાના પર રહેશે.
આ વધતા તણાવ વચ્ચે તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે
ઇસ્તંબુલમાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટાલી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના દેશોના
વિદેશ મંત્રીઓની બેઠક બોલાવીને ચેતવણી આપી હતી કે જો આ યુદ્ધ વધ્યું તો સમગ્ર ક્ષેત્ર
અસ્થિર થઈ જશે અને તેનો વ્યાપ અનપેક્ષિત રીતે વધી જશે. આનો ઉકેલ માત્ર કૂટનીતિ અને
વાતચીત દ્વારા જ લાવવો જોઈએ.
ટ્રમ્પે
કહ્યું હતું કે અમે વધુ એક નાનું ઓપેરેશન ‘એપિક ફ્યૂરી’ કરી શકીએ છીએ. અમેરિકી સેનાએ
28 ફેબ્રુઆરીના ઈરાન સામે યુદ્ધની શરૂઆત કરી હતી.
ઈરાનની
ચેતવણી ચિંતાજનક છે. ખાડી દેશોમાં સમુદ્ર નીચે
પથરાયેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખે તો ઈન્ટરનેટ સેવાઓ, બેન્કિંગ અને ઓનલાઈન કારોબાર
પર તેની ગંભીર અસર પડી શકે છે.
વ્હાઈટ
હાઉસ બહાર પત્રકારો સાથે અગાઉ વાત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું
કે, અમે આ યુદ્ધ બહુ જલ્દી ખતમ કરી શકીએ છીએ.
સવાલ
એ છે કે, શું આપણે યુદ્ધ પૂર્ણપણે ખતમ કરવા માગીએ છીએ કે, ધીમેધીમે નબળું પાડવા માગીએ
છીએ.ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝ પરથી તેલવાહક જહાજોની અવરજવર જારી છે. આ દરિયાઈ
માર્ગ દુનિયામાં તેલનો પુરવઠો પહોંચાડવા માટે બેહદ મહત્ત્વનો છે.
ઓક્ટોબરમાં
ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ત્રીજી નવેમ્બરના થનારી મધ્યસત્ર ચૂંટણીથી પહેલાં
ઈરાન પર હુમલો નહીં કરે.