- 181 રનના લક્ષ્ય સામે ભારતે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી’તી ઃ તિલકે 26માં 51 ફટકાર્યા
નવી દિલ્હી, તા.24 ઃ તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીની ભાગીદારીના
દમ પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચમાં 4 વિકેટે રોમાંચક વિજય
મેળવી 5 મેચોની શ્રેણીમાં
2-0ની સરસાઈ હાંસલ કરી
લીધી છે. 181 રનના લક્ષ્યનો પીછો
કરતા એક સમયે ભારતે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને છેલ્લી 5 ઓવરમાં 68 રનની જરૂરિયાત સામે 6 વિકેટ પડી ચૂકી હતી.
આવી સ્થિતિમાં તિલક અને નીતિશે ન્યૂઝીલેન્ડનાં મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો.
17મી ઓવરના અંત સુધી
તિલક વર્મા 13 બોલમાં માત્ર 17 રન બનાવી સંઘર્ષ કરતો હતો પરંતુ ત્યારબાદ
તેણે અચાનક ગિયર બદલ્યો. 19મી ઓવરમાં નાથન સ્મિથ
સામે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી 18 રન લીધા બાદ તેણે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અંતિમ
ઓવરમાં જીત માટે જરૂરી 11 રન ભારતે એક બોલ બાકી
રહેતા બનાવી લીધા હતા.
તિલકે 26 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ
13 બોલમાં ઝડપી 26 રન ફટકાર્યા હતા. બન્ને વચ્ચે 30 બોલમાં થયેલી અણનમ 69 રનની ભાગીદારીએ મેચનું પાસું સંપૂર્ણપણે
પલટી નાખ્યું હતું.
ભારતની ઇનિંગ્સની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. સંજુ સેમસને પ્રથમ ઓવર મેડન
રમી હતી. ત્યારબાદ તેની અને વૈભવ સૂર્યવંશી,
કેપ્ટન શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને અભિષેક
શર્માની વિકેટો ટપોટપ પડી હતી. 11મી ઓવરમાં 70 રને અડધી ટીમ પેવેલિયનમાં હતી ત્યારે નમન
ધીરે 17 બોલમાં 31 રનની આક્રમક ઇનિંગ રમી ટીમને મેચમાં જીવંત
રાખી હતી.
આ અગાઉ ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી.
ટિમ સીફર્ટ (7)ને અર્શદીપ સિંહે, ડેરીલ મિશેલને ભુવનેશ્વર કુમારે અને ફિન એલન
(16)ને પ્રિન્સ યાદવે બોલ્ડ
કરી 41 રનમાં જ કિવી ટીમને
3 ઝટકા આપ્યા હતા. જોકે, ત્યારબાદ ગ્લેન ફિલિપ્સે 43 બોલમાં 70 રન અને બેવન જેકબ્સ 46 બોલમાં 58 રન બનાવતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રનનો સ્કોર બનાવ્યો
હતો.