• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

માનને એરપોર્ટ પર રોકી રખાતાં વિવાદ

નવી દિલ્હી, તા. 21 : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફ્રાન્સથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકવામાં આવ્યા હતા અને તેમના પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે. જો કે, એરપોર્ટના કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાનમાં કેટલીક વસ્તુઓ જાહેર ન કરવા બદલ માન પર 50 હજાર રૂપિયાની કસ્ટમ્સ ડયૂટી લાદવામાં આવી હતી.

અઅઙના પંજાબ એકમના મીડિયા પ્રભારી બલતેજ પન્નુએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જાહેર કરીને આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે જાણીજોઈને મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે. તેમના દાવા મુજબ, માનને એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જવા દેવામાં આવ્યા હતા.

પન્નુના જણાવ્યા અનુસાર, માન પંજાબની પ્રખ્યાત પેદાશોને પેરિસના એક મોટા ખાદ્ય મહોત્સવમાં રજૂ કરવા ગયા હતા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેમને જરૂરી પ્રોટોકોલ આપવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં ફ્રાન્સમાં ભારતીય કોન્સલ જનરલ તેમને મળવા આવ્યા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

પન્નુએ દાવો કર્યો હતો કે, એરપોર્ટ પર માનને તેમના સામાનની તપાસ અને સામાન આવવાની રાહ જોવાનાં કારણો આપીને રોકવામાં આવ્યા હતા. ત્રણ કલાક બાદ તેઓ વાહનમાં બેસીને રવાના થવાના હતા ત્યારે અધિકારીઓએ તેમને રોકીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અધિકારીઓએ ઉપરથી ભારે દબાણ હોવાનું જણાવ્યું હોવાનો પણ પન્નુએ આરોપ લગાવ્યો હતો. જો કે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

બીજી તરફ, શિરોમણિ અકાલી દળના મહાસચિવ બિક્રમાસિંહ મજીઠિયાએ દાવો કર્યો હતો કે, ભગવંત માન અને તેમનાં પત્ની ગુરપ્રીત કૌરને મંજૂર મર્યાદા કરતાં વધુ સામાન અથવા નાણાં સાથે રાખવાની શંકાને આધારે પૂછપરછ માટે રોકવામાં આવ્યાં હતાં. 

આ ઘટનાએ પંજાબના રાજકારણમાં વિવાદ ઊભો કર્યો છે. એક તરફ અઅઙએ કેન્દ્ર પર રાજકીય દબાણનો આરોપ મૂક્યો છે, જ્યારે બીજી તરફ કસ્ટમ્સનાં સૂત્રોએ સામાન જાહેર ન કરવાને કારણે ડયૂટી વસૂલવામાં આવી હોવાનું જણાવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલો ભારે વિવાદિત બન્યો છે. સમગ્ર મામલે રાજકારણ શરૂ થઇ ચૂક્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક