સોલાર
સિસ્ટમના બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય
વીજ
ગ્રાહકે 10 ટકા, SC-ST કેટેગરીના વીજ ગ્રાહકે 5 ટકા
જ ફાળો આપવાનો રહેશે
મુખ્યમંત્રીના
આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધારે પરિવારોને લાભ થશે, આ માટે રાજ્ય સરકારને અંદાજે
રૂ. 1000 કરોડનો ખર્ચ થશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.21 : રાજ્યમાં સર્જાયેલી વીજતંગીની સ્થિતિ અંતર્ગત રાજ્યભરમાં સોલાર વીજ-વપરાશમાં
વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જેના અનુસંધાને, સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા ઈચ્છતા
નાના તથા મધ્યમ વર્ગીય, ગરીબ અને વંચિત પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડી સહાય આપવાનો
નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં કરાયો હતો.
આ યોજના
હેઠળ ભારત સરકાર દ્વારા રહેણાકના હેતુના વીજ ગ્રાહકોને પ્રથમ 2 કિલોવોટની ક્ષમતા સુધીના
સોલાર રૂફટોપ સ્થાપન માટે
રૂ.
30,000 પ્રતિ કિલોવોટ અને 3 કિલોવોટની ક્ષમતા સુધી કુલ રૂ. 78,000 રકમની સહાય ચૂકવવામાં
આવે છે પરંતુ હવે, સોલાર રુફટોપના સ્થાપન માટેની ભારત સરકારની આ સબસિડી ઉપરાંત રાજ્ય
સરકાર તરફથી પણ સબસિડી આપવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય
મુજબ સોલાર સિસ્ટમના બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય વીજ ગ્રાહકે માત્ર 10 ટકા ફાળો
જ ભોગવવાનો રહેશે. જ્યારે, અનુસૂચિત જાતિ- અનુસૂચિત જન જાતિ (એસસી-એસટી) કેટેગરીના
વીજ ગ્રાહકે માત્ર 5 ટકા ફાળો જ આપવાનો રહેશે. બાકીનો તમામ ખર્ચ કેન્દ્ર સરકારની સહાય
ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સબસિડી રૂપે ચૂકવવામાં આવશે.
આ નવા
નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધારે પરિવારોને સીધો લાભ થશે અને આ માટે રાજ્ય સરકાર અંદાજે
રૂ. 1000 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકારે એવો દાવો કર્યો છે કે, પીએમ સૂર્ય ઘર-મુફ્ત
બિજલી યોજના હેઠળ સોલાર રૂફટોપ લગાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના
હેઠળ રાજ્યના 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ લાગી ચૂકી છે પરંતુ હવે, રાજ્ય સરકારનો
ધ્યેય છે કે, આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ખાસ કરીને સામાન્ય તથા
ગરીબ પરિવારોને પણ નજીવા દરે વીજળી મળી શકે તે માટે ગુજરાત સરકાર હવે કેન્દ્ર સરકારની
સબસીડી ઉપરાંત વધારાની સબસીડી આપશે.