અમેરિકી
પ્રમુખે કહ્યું, સંધિ જૂના કરારો જેવી નહીં હોય; કોંગ્રેસના પ્રહાર : ભારત કેમ ચૂપ
?
વોશિંગ્ટન,
તા. 21 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે
મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશો વેપાર કરારની ખૂબ નજીક છે અને
સમજૂતી કરવા માગે છે. જો કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, આ કરાર અગાઉ થયેલા વેપાર કરારોથી
અલગ પ્રકારનો હશે. તેમના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર
મંત્રણા ફરી ચર્ચામાં આવી છે.
ટ્રમ્પે
પત્રકારો સાથે વાતચીત દરમિયાન ભારત - અમેરિકા વેપાર કરાર અંગે આશા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ભારત કરાર કરવા માગે છે અને અમેરિકા પણ સમજૂતી કરવા જઈ રહ્યું
છે. બંને દેશો કરારની ખૂબ નજીક છે, પરંતુ આ સમજૂતી અગાઉના કરારોથી અલગ હશે.
ટ્રમ્પનું
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે
છે. તેમની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા, ટેક્નોલોજી, સંરક્ષણ અને
દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ છે.
આ મહિનાની
શરૂઆતમાં ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે પણ વેપાર કરાર અંગે અમેરિકાના વેપાર પ્રતિનિધિ
જેમિસન ગ્રીર સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે આ કરારને લઈને છેલ્લા કેટલાક મહિનાથી
વાટાઘાટો ચાલી રહી છે.
ભારત
અને અમેરિકાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેનું માળખું
તૈયાર કરવાની જાહેરાત કરી હતી. જો કે, અમેરિકાની આયાત - જકાતની નીતિમાં ફેરફાર થયા
બાદ કરાર અંગે ફરી વાટાઘાટો શરૂ થઈ હતી. ટ્રમ્પના તાજેતરનાં નિવેદન બાદ હવે બંને દેશો
વચ્ચે વેપાર કરાર ક્યારે અને કઈ શરતો સાથે થશે તેના પર નજર છે.
બીજી
તરફ, કોંગ્રેસે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા ટી.એસ. સિંહ દેવે પોસ્ટ
કરીને સવાલ કર્યો હતો કે, વેપાર કરાર અંગે ભારત તરફથી કોઈ નિવેદન કેમ આપવામાં આવી રહ્યું
નથી. હાલમાં ટ્રમ્પે કરારની નજીક હોવાનો સંકેત આપ્યો છે, પરંતુ કરારની અંતિમ શરતો કે
તેની જાહેરાતની કોઈ ચોક્કસ તારીખ અંગે આ નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.