• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

કોકરોચનું આંદોલન સ્થગિત

સૌરભ દાસ અને આશુતોષ રાંકાને યાદ કરીને આંખમાં આંસુ સાથે અભિજીત દીપકેએ કહ્યું, આંદોલનનો અસલી નેતા હું નથી

નવી દિલ્હી, તા.20: કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આંદોલનને હાલતુર્ત સ્થગિત કરી દીધું છે. તેમણે સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવા સહિતની કાનૂની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં કોકરોચ કાર્યકારોને અપીલ કરી હતી કે તહેવારોના સમયમાં પોતાના પરિવારજનો સાથે સમય વિતાવે. સૌરભ દાસ અને આશુતોષ રાંકા વિશે વાત કરતી વખતે દીપકેની આંખો ભીની થઈ ગઈ હતી.

કોકરોચનાં નામે એક વીડિયો સંદેશ જાહેર કરતાં અભિજીત દીપકેએ એક રોચક વાત કરતાં કહ્યું હતું કે, તેઓ આ વિરોધ પ્રદર્શનના અસલી નેતા નથી. તેઓ માત્ર આદેશોનું પાલન કરતા હતા. આ પ્રદર્શનના અસલી નેતાઓ કોઈ બીજા છે. આ નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસ છે. આ બંનેની ભૂમિકા ખૂબ મોટી રહી છે. હું તો માત્ર તેમના આદેશોનું પાલન કરતો હતો.

જ્ઞાનેશ કુમારનું રાજીનામુ ન થાય ત્યાં સુધી આંદોલન જારી રાખવાની અડગતા દેખાડનાર દીપકેએ આજે 16 મિનિટનો વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમના સંદેશનો સાર એ છે કે હાલ પૂરતું આંદોલન સ્થગિત રહેશે. દીપકેએ કહ્યું હતું કે, જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે બધા સંઘર્ષ કરી રહ્યા છો. તમે ઘણું સહન કર્યું છે. જે રીતે આખી વ્યવસ્થા તમને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, તે છતાં તમે જે રીતે લડી રહ્યા છો તે પ્રશંસનીય છે. હું ભાગ્યશાળી છું કે તમે મારા, આશુતોષ અને સૌરભની સાથે નિ:સ્વાર્થ ભાવે સંઘર્ષ કરી રહ્યા છો. મારી તમને એક અપીલ છે. છેલ્લા કેટલાક દિવસો આપણા માટે સરળ રહ્યા નથી. હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે આગળનો રસ્તો મુશ્કેલ બનવાનો છે. થોડા દિવસોમાં આપણી પાછળ પોલીસ લગાવવામાં આવશે, કેસ કરવામાં આવશે અને કોઈને કોઈ રીતે ફસાવવાનો પ્રયાસ થશે. હવે એવું જ થઈ રહ્યું છે. સૌરભ દાસ અને આશુતોષ રાંકાનો વારંવાર ઉલ્લેખ કરતાં અભિજીત દીપકે ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને તેમનો અવાજ પણ રૂંધાઈ ગયો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, કેટલાક બે પૈસાના ટ્રોલ કહેશે કે આ તો ભાવુક થઈ ગયો છે. જુઓ, તેને કેવી રીતે રડાવી દીધો! પરંતુ આપણી લાગણીઓ આપણી નબળાઈ નથી, આપણી તાકાત છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક