• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં સ્યુસાઈડ નોટ લખી પોલીસ કોન્સ્ટેબલ ગુમ

એ.સી.બી.માં ફરજ બજાવતા કર્મચારી વ્યાજના ત્રાસથી પરેશાન હોવાનો ભાઈનો આક્ષેપ : ડીવાય.એસ.પી. અને ત્રણ પી.આઈ. સહિતના લોકો સામે ગંભીર આરોપો

ભાવનગર, તા. 21: ભાવનગરમાં એ.સી.બી.કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના રહસ્યમય સંજોગોમાં ગુમ થવાની ઘટનાથી પોલીસબેડામાં ચકચાર મચી છે. કોન્સ્ટેબલ કચેરીમાં મોબાઈલ અને બાઈકની ચાવી મૂકી સુસાઈડ નોટ લખીને નીકળી ગયા હતા.સ્યુસાઈડ નોટમાં 13 લોકોનાં નામનો ઉલ્લેખ હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે પોલીસ તરફથી સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.

    મૂળ ખોખરા ગામના અને હાલ ભાવનગરમાં રહેતા જયેન્દ્રાસિંહ ગોહિલ ગઈકાલે ફરજ દરમિયાન કચેરીમાંથી નીકળી ગયા બાદ ઘરે પરત ફર્યા નહોતા. તેમના મોટાભાઈ અને એસ.આર.પીમાં ફરજ બજાવતા વિરેન્દ્રાસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, આર્થિક લેણાં અને શેરબજારમાં રોકાણના મામલે ડી.વાય.એસ.પી, ત્રણ પી.આઈ સહિત 13 લોકો તેમના ભાઈને ત્રાસ આપતા હતા. તેમના કહેવા મુજબ, બળજબરીથી એફિડેવિટ લખાવી કોરા ચેક પર સહીઓ પણ કરાવાઈ હતી.

     જયેન્દ્રાસિંહ ઘરે ન પહોંચતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. ત્યારબાદ કચેરીમાં નોટ મળી આવતાં પરિવારજનો અને એ.સી.બી અધિકારીઓમાં ચિંતા ફેલાઈ હતી. મોડી રાત્રે ડી.વાય.એસ.પી એસ.એન. બારોટ સહિતનો સ્ટાફ અને પરિવારજનો નીલમબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા.

    નીલમબાગ પોલીસના પી.આઈ ઉનડકટે તપાસ શરૂ કરી છે. ડી-સ્ટાફ અને એલ.સી.બી.ની ટીમો શોધખોળમાં જોડાઈ છે. સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કોન્સ્ટેબલનું પગેરું મેળવવાના પ્રયાસો ચાલુ છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ  થઈ નથી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક