જમીન પાસે થાંભલા ઉભા કરવાનું કામ અટકાવવા મામલે બે ભાઈઓ પર ગોળીબાર, બંને ગંભીર
ખંભાળિયા,તા.20:દેવભૂમિ દ્વારકા
જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા નજીક જમીન વિવાદમાં ફાયારિંગની ઘટના બની છે.
સરકારી ખરાબામાં ઊર્જા કંપનીના થાંભલા ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામ આરોપીઓએ
અંગત આર્થિક ફાયદા અને કંપની પર ધાક જમાવવાના ઇરાદે અટકાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ
છે.
આ મામલે ફરિયાદી વજશીભાઈ ગગાભાઈ
ગોરીયા, તેમના ભાઈ મેરામણભાઈ તથા કેશુરભાઈ આરોપીઓને સમજાવવા જતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.
આરોપી ભરત મુળુ ગોરીયાએ ક્રેટા કારથી મેરામણભાઈને ટક્કર મારી પછાડી દીધા બાદ રિવોલ્વરથી
બંને ભાઈઓ પર ફાયારિંગ કર્યું હતું જેમાં વજશીભાઈને મોઢાના ભાગે અને મેરામણભાઈને છાતીમાં
ગોળી વાગતાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
કલ્યાણપુર પોલીસે મુળુ લાખા ગોરીયા,
જીગર મુળુ ગોરીયા અને ભરત મુળુ ગોરીયા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ
હાથ ધરી છે.