શહેરી વિસ્તારોની જૂની બજારોમાં પ્રભાવ જળવાયો પણ નવા વિસ્તારો કે રોડ સાઇડ બજારોમાં અસર ન થઇ : ઉગ્ર આંદોલનની ચીમકી
અમદાવાદ,
રાજકોટ, તા. 2: (ફૂલછાબ ન્યૂઝ) યુપીઆઇ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જના
વિરોધમાં ગુજરાતના વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલા આંદોલન અને ‘યુપીઆઇ પેમેન્ટ
બંધ’ રાખવાના આહવાનને રાજ્યભરમાં મિશ્ર-નબળો પ્રતિસાદ સાંપડયો છે. વેપારીઓનો હેતુ સરકાર
સામે એમીઆરથી થનારા નુકસાન અંગે વિરોધ નોંધાવવાનો હતો. જોકે એમાં વેપારીઓનો બુલંદ અવાજ
સરકાર સુધી પહોંચી શક્યો નથી. જોકે વેપારી સમુદાયની માગણી નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની
ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
યુપીઆઇ
પેમેન્ટ નહીં સ્વીકારવાની અસર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટની જૂની બજારો કે ચુનંદા
વિસ્તારો પૂરતી જ વધારે મજબૂત દેખાઇ હતી. જે બજારોમાં અપીલ કરવામાં આવી હતી ત્યાં વેપારીઓ
આવા વ્યવહારથી અળગા રહ્યા હતા.
ગુજરાત
ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે અમદાવાદ સહિત રાજ્યના
મુખ્ય શહેરોના જૂના બજારો અને હોલસેલ ક્લસ્ટરોમાં આ વિરોધની સ્પષ્ટ અસર જોવા મળી હતી.
જૂના અમદાવાદના મેઇન માર્કેટ, હોલસેલ અને સેમી-હોલસેલ બજારો-જેમ કે કટલેરી બજાર, રિલીફ
રોડનું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ અને મણિનગરના બજારોમાં એસોસિએશનોના વર્ચસ્વને કારણે
વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ કે કાર્ડથી ચૂકવણી સ્વીકારી ન હતી.
રાજકોટ
શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ અને હોલસેલ મર્ચન્ટ એસોસીએશન દ્વારા યુપીઆઇ પેમેન્ટ નહીં સ્વીકારવાની અપીલ કરવામાં આવી હતી. જોકે ચેમ્બર
સંલગ્ન મોટાંભાગના સંગઠનોમાં આંદોલનની ખાસ અસર ન હતી. શહેરના લાખાજીરાજ રોડ, દાણાપીઠ,
ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, કંદોઇ બજાર, ગાંધીગ્રામ, જંકશન પ્લોટ વગેરે બજાર વિસ્તારોમાં
%0-90 ટકા જેવી અસર દેખાઇ હતી. જોકે શહેરની બાકીની બજારોમાં યુપીઆઇથી પેમેન્ટ ચાલુ
રાખવામાં આવ્યા હતા.
આ
વિરોધ પ્રદર્શનને મોટા શહેરો કરતા સેમી-અર્બન (મધ્યમ કક્ષાના) અને નાના શહેરોમાં વધુ
સફળતા મળી છે. કેશોદ, જૂનાગઢ, વેરાવળ, કોડિનાર અને ઉપલેટા જેવા વિસ્તારોમાં સંગઠિત
એસોસિએશનોને કારણે વેપારીઓએ એકજૂથ થઈને યુપીઆઇ પેમેન્ટનો વિરોધ કર્યો હતો. ઉત્તર ગુજરાતના
પણ કેટલાક મધ્યમ કક્ષાના શહેરોમાં આની વ્યાપક અસર જોવા મળી હતી.
ઉપરાંત
બીજી તરફ, સુરત જેવા મોટા વ્યાપારી હબ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં
આ વિરોધની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોના
નવા વિકસિત વિસ્તારો, સોસાયટી એરિયા અને છૂટક (અસંગઠિત) દુકાનોમાં વેપારીઓએ તહેવારોના
સમયને ધ્યાનમાં રાખીને ગ્રાહકો પાસેથી યુપીઆઇથી પેમેન્ટ લેવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઉપરાંત, મોટાભાગના પેટ્રોલ પંપ અને મેડિકલ સ્ટોર્સ પર પણ યુનિયન કે સંગઠનનું કોઈ
કડક કોલ ન હોવાથી ડિજિટલ લેવડ-દેવડ સામાન્ય રીતે ચાલુ રહી હતી.
અમદાવાદ
શહેરના મુખ્ય વેપારી મથક એવા રિલીફ રોડ પર યુપીઆઇ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ
(એમડીઆર) લાગુ કરવાના પ્રસ્તાવિત નિર્ણય સામે વેપારીઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે.
રિલીફ રોડના વેપારી મંડળ દ્વારા એકત્ર થઈને ’નો યુપીઆઇ ડે’ મનાવવામાં આવ્યો હતો. આ
અનોખા વિરોધ પ્રદર્શન દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનો બહાર મૂકેલા ડિજિટલ પેમેન્ટના
ક્યૂઆર કોડ પર કાળી પટ્ટીઓ બાંધી દીધી હતી અને ગ્રાહકો પાસેથી યુપીઆઇના બદલે કેશ પેમેન્ટનો
આગ્રહ રાખ્યો હતો.
પ્રભાવિત
થવા પાછળ સરકાર દ્વારા છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલા પ્રચાર અને સ્પષ્ટતાઓ પણ જવાબદાર
હોવાનું મનાય છે. સરકારી પ્રેસ નોટો અને નિવેદનોને કારણે કેટલાક નાના અને છૂટક વેપારીઓમાં
એવી છાપ ઉભી થઈ હતી કે આ નિર્ણય કે આંદોલન પાછું ખેંચાઈ ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં
સામાન્ય દિવસોની જેમ જ કામકાજ ચાલતું રહ્યું હતું.આમ, એકંદરે આ આંદોલનને રાજ્યભરમાંથી
મિશ્ર પ્રતિસાદ મળ્યો છે,
વિરોધ
પ્રદર્શન કરી રહેલા વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, સરકાર
એક તરફ ’વન નેશન, વન ટેક્સ’ અને ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને બીજી તરફ યુપીઆઇ
પેમેન્ટ પર એમડીઆર જેવા વધારાના ચાર્જ ઝીંકવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયથી નાના-મોટા
તમામ વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકોને સીધું આર્થિક નુકસાન સહન કરવું પડશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને
પ્રોત્સાહન આપ્યા બાદ હવે તેના પર વધારાનો ટેક્સ લાદવો તે વેપારી આલમ સાથે અન્યાય છે.
વેપારી
નેતાઓએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં
નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં અને રાજ્યભરમાં વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ
રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.