• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ડ્રગ સિન્ડિકેટનો રૂટ બદલાયો ! હવે દક્ષિણના દરિયાકાંઠા પર નજર

-ગુજરાત અઝજ-કોસ્ટગાર્ડની કડક કાર્યવાહીથી ડ્રગ માફિયાઓની નવી ચાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.1 ઃ ગુજરાતના લાંબા દરિયાકાંઠા મારફતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો કરનારા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ પર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની કડક કાર્યવાહી બાદ હવે દક્ષિણના દરિયાકાંઠા તરફ રૂટ બદલાયો હોવાની શક્યતા તપાસ એજન્સીઓ વ્યક્ત કરી રહી છે. તાજેતરમાં લક્ષદ્વીપ નજીક સંયુક્ત ઓપરેશનમાં ઈરાની આઝાદ બોટમાંથી રૂ.3,000 કરોડની કિંમતનું 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈનનો જથ્થો ઝડપાયો હતો. બોટમાં સવાર પેશાવરના પાંચ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમને મુંબઈ લઈ જઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી વોન્ટેડ આરોપી હાજી સલીમે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. ભારતમાં એક નાઈજીરિયન વ્યક્તિને આ જથ્થો પહોંચાડવાનો હતો તેવી પણ માહિતી તપાસમાં મળી છે. ગુજરાતના દરિયાકાંઠે અગાઉ પણ ડ્રગ્સની દાણચોરીના અનેક પ્રયાસો ઝડપાયા છે. કેટલીક ઘટનાઓમાં દાણચોરોએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હોવાના બનાવો પણ નોંધાયા છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની સતત કડક નજરને કારણે સિન્ડિકેટ હવે અન્ય દરિયાઈ માર્ગો અજમાવી રહ્યું હોવાની શક્યતા છે.

16 દિવસ સુધી દરિયામાં રહી સેટેલાઈટ મોનિટારિંગ દ્વારા શંકાસ્પદ બોટની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં પાંચ પાકિસ્તાની શખસો સાથે કરોડોનો ડ્રગ્સ જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કની વધુ એક મોટી ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીઓ હવે દરિયાઈ માર્ગે થતી હેરાફેરીના રૂટ, બોટની હિલચાલ અને વિદેશી કનેક્શન પર નજર રાખી રહી છે. લક્ષદ્વીપ નજીકની કાર્યવાહી બાદ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધુ મજબૂત બન્યું છે. આગામી દિવસોમાં અન્ય દરિયાઈ વિસ્તારોમાં પણ ચાકિંગ અને મોનિટારિંગ વધારવામાં આવે તેવી શક્યતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક