ગૂગલની કબૂલાત ઃ સાઇબર સિક્યોરિટી પરીક્ષણ દરમિયાન ડમીને બદલે અસલી કંપનીનાં નેટવર્કમાં જેમિનીએ કરી ઘૂસણખોરી ઃ ગફલતનો અનુભવ થતા આપોઆપ સાઇબર હુમલા રોક્યા
નવી દિલ્હી, તા. 19 ઃ દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોખમો અંગે વાદવિવાદ ચાલી રહ્યા છે. વિશેષજ્ઞો દ્વારા વારંવાર એઆઇને લઈને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં એક એવો બનાવ સામે આવ્યો છે જેણે ચેતવણીઓને ગંભીરતાથી લેવાની જરૂરિયાત બતાવી છે અને એઆઇ બેકાબૂ બની રહ્યું હોવાનો સંકેત આપ્યો છે. હકીકતમાં ગૂગલના જેમિની એઆઇએ મે મહિનામાં એક ટેસ્ટ દરમિયાન પોતાની મર્યાદાથી આગળ નીકળીને ત્રણ કંપનીના નેટવર્કમાં ઘૂસણખોરી કરી હતી. ગૂગલે પોતે જ આ કબૂલાત આપી છે.
ગૂગલ અનુસાર આ બનાવ જેમિનીની સાઇબર સિક્યોરિટી ક્ષમતાઓને પરખવા માટે કરવામાં આવેલાં પરીક્ષણ દરમિયાન બન્યો હતો. પરીક્ષણને ‘કેપ્ચર ધ ફલેગ’ નામ આપવામાં આવ્યું હતું. જેમાં ત્રણ કંપનીનાં નેટવર્કમાં લોગ ઈન કર્યા બાદ એઆઇ મોડલે પોતે જ પોતાના હુમલા રોકી દીધા હતા. હેકિંગની આ ઘટનાની જાણ થતાં પહેલાં એન્થ્રોપિક, ઓપન એઅઇ અને મેટા જેવી અન્ય પ્રમુખ એઆઇ લેબ્સમાં પણ બનાવો બની ચૂક્યા છે. જેનાથી ડર બેસ્યો છે કે એઆઇ ટેક્નોલોજી માણસોનાં નિયંત્રણમાંથી બહાર થઈ શકે છે.
એન્થ્રોપિકના સીઇઓ ડારિયો અમોદેઇ જેવા અમુક ઇન્ડસ્ટ્રી લીડર્સે એઆઇના વિકાસની ગતિને ધીમી કરવાની માગણી કરી છે તેમજ ચિપ બનાવતી કંપની એનવીડિયાના સીઇઓ જેન્સેન હુઆંગ જેવા અન્ય લોકોનું કહેવું છે કે એઆઇનો વિકાસ ઝડપથી યથાવત્ રહેવો જોઈએ.
ગૂગલે જાણકારી આપતા કહ્યું હતું કે, દરેક ઘટનામાં એઆઇ મોડેલને એક ડમી કંપની ઉપર હુમલો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે ટેસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી ડમી કંપનીનું નામ એક અસલી કંપની જેવું હતું જ્યારે જેમિનીને ઇન્ટરનેટનો એક્સેસ મળ્યો તો તેણે અસલી કંપનીમાં ઘૂસણખોરીની કોશિશ શરૂ કરી હતી.
જેમિની મોડલે ટાર્ગેટ કરેલી કંપની અને અન્ય બે કંપનીઓના ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લોગઇન કરવા માટે એવા પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો જે ઓનલાઇન મળ્યા હતા અથવા તો અંદાજ લગાડવામાં આવ્યો હતો.
ગૂગલે કહ્યું હતું કે, લોગ ઇન કર્યા બાદ જેમિની મોડલને અનુભવ થયો હતો કે તે અસલી કંપનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સેસ કરી રહ્યું છે. ટેસ્ટમાં સામેલ ડમી કંપની ઉપર કોઈ કામ થયું નથી.
જેનાં કારણે હુમલા રોકી દીધા હતા. ગૂગલે એમ પણ કહ્યું હતું કે ટેક્નોલોજીથી કંપનીઓને કોઈ નુકસાન નથી પહોંચ્યું જેની વેબસાઇટ હેક કરવામાં આવી હતી.