• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાંથી બહાર રહેવું ખુબ દુખદાયી છે : નીરજ ચોપરા

એન્કલમાં લાગેલી ઈજાના કારણે ગોલ્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું

    નવી દિલ્હી, તા.19 : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા માટે એશિયન ગેમ્સની યાદો હંમેશાં ખાસ રહી છે. 2018માં જકાર્તા અને 2023માં હાંગઝોઉમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ પાસેથી આ વખતે પણ સુવર્ણ ચંદ્રકની પ્રબળ અપેક્ષા હતી પરંતુ, ટ્રાનિંગ દરમિયાન પગની ઘૂંટી (એન્કલ) માં લાગેલી ઈજાએ તેની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ઈજાના લગભગ એક મહિના બાદ નીરજે પોતાની પીડા વિશે ખુલ્લા દિલે વાત કરી છે.

નીરજ ચોપરાએ લિંક્ડઇન પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, એશિયન ગેમ્સ સાથે મારી કારકિર્દીને કેટલાક સૌથી યાદગાર પળો જોડાયેલી છે. ભારતનું પ્રતિનિધિત્વ ન કરી શકવું મારા માટે ખુબ મુશ્કેલ છે. જાપાનના નાગોયા પહોંચેલી ભારતીય એથ્લેટિક્સ ટીમને શુભેચ્છાઓ પાઠવતા તેણે ઉમેર્યું કે, તેઓ સાથી ખેલાડીઓ સાથે ચાલવાનું ખૂબ મિસ કરશે, બહારથી હંમેશાં તેમને પૂરેપૂરો સપોર્ટ કરતા રહેશે.

  નીરજે સ્પષ્ટ કર્યું કે તેઓ લિગામેન્ટની ઈજાથી પીડાઈ રહ્યા છે અને લાંબા વિમર્શ બાદ તેણે આ વખતે એશિયન ગેમ્સમાં મેદાન પર ન ઉતરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડયો છે. તેનું કહેવું છે કે, દેશવાસીઓની અપેક્ષાઓ સાથે મેદાન પર ઉતરવું એ ગર્વની વાત છે, આ તકથી દૂર રહેવું ખરેખર ખુબ દર્દ આપે છે.

નોંધનીય છે કે, નીરજ ઇજાથી લાંબા સમયપીડાય છે. વર્ષ 2019માં તેણે જમણી કોણીની સર્જરી કરાવવી પડી હતી. 2022માં ગ્રોઇન ઇન્જરીના કારણે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર હતો. 2023માં મસલ સ્ટ્રેને તેની આખી સીઝન ખરાબ કરી હતી. 2024માં એડક્ટરની સમસ્યાના કારણે તેને ઇવેન્ટમાંથી નામ પાછું ખેંચવું પડયું હતું. હવે એન્કલની આ નવી ઈજાના કારણે તે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ ફાઇનલ બંનેમાંથી બહાર થઈ ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક