બ્રિક્સ શિખર સંમેલન માટે દિલ્હી સજ્જ ઃ આજે પુતિન-મોદી વચ્ચે વાતચીત સંભવ, એવિએશન ક્ષેત્રમાં મોડી ડીલ થવાની સંભાવના
નવી દિલ્હી, તા. 10 ઃ રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પુરી દુનિયાની નજર આગામી બે દિવસ ચાલનારી બ્રિક્સ બેઠક ઉપર રહેશે. કારણ કે 12-13 સપ્ટેમ્બરના
રોજ શરૂ થનારા બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, દક્ષિણ આફ્રિકી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સહિત ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થવાના છે. પુતિનના પ્રવાસ પહેલા રશિયાન ટ્રાન્સપોર્ટ વિમાનો પહોંચી ચુક્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ ઝિનપિંગ પણ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. બ્રિક્સ શિખર સંમેલનમાં 11 સભ્યો
દેશના ઉચ્ચસ્તરના પ્રતિનિધિ સામેલ થવાના છે. વર્તમાન સમયે બ્રિક્સમાં 11 પૂર્ણ
સભ્ય દેશ સામેલ છે. પાંચ મૂળ દેશ ઉપરાંત નવા દેશોને પણ સામેલ કરવામાં આવ્યા છે. પાંચ મુળ સભ્ય દેશ ઉપરાંત બ્રિક્સમાં ઈજીપ્ત, ઈથિયોપિયા, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમિરાત અને ઈન્ડોનેશિયા પણ સભ્ય દેશ છે. બ્રિક્સ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સામેલ થવાની પુષ્ટિ થઈ ચુકી છે. રશિયાથી ત્રણ ટ્રાન્સપોર્ટ વિમાન એરક્રાફ્ટ નોઈડાના જેવર એરપોર્ટે પહોંચી ચુક્યા હતા. માનવામાં આવે છે કે પુતિન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થવાની છે.
બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગની ભારત યાત્રા મુદ્દે ચીની વિદેશ મંત્રાલય દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી નહોતી. ગુરૂવારે બીજિંગમાં જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુનને રાષ્ટ્રપતિ ઝિનપિંગની ભારત યાત્રાનો સવાલ કરવામાં આવ્યો તો જવાબ અપાયો હતો કે તેઓને આ મામલે જાણકારી આપવા કોઈ સૂચના મળી નથી.
સંમેલન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી વચ્ચે શુક્રવારે એક દ્વિપક્ષીય વાતચીત થવાની સંભાવના છે. જેમાં યુક્રેન અને ઈરાન યુદ્ધ ઉપર ચર્ચાની સાથે દ્વિપક્ષીય આર્થિક અને રક્ષા સંબંધોને મજબુત કરવા વિચાર કરવામાં આવશે. કહેવાય છે કે બ્રિક્સ સમીટ પહેલા 105 રીજનલ
પેસેન્જર વિમાન ખરીદીની ડીલ રશિયન કંપની સાથે થઈ શકે છે.