જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ આજે કલેક્ટરને પાઠવશે આવેદન
ખંભાળિયા, જૂનાગઢ,
તા.30 ઃ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારને ઘેરવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી રાજકીય કવાયત વચ્ચે ઓછો વરસાદ થતાં ખેડૂતોના પ્રશ્નોને લઈને બન્ને પક્ષોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે.
આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવીની આગેવાની હેઠળ ખંભાળિયાના સલાયા રોડ પર સરકારી કોલેજ નજીકનાં મેદાનમાં અચોક્કસ મુદ્દતના ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લા સહિત ઓછા વરસાદવાળા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોને વિનામૂલ્યે ઘાસચારો આપવા, ડેમોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા તેમજ ખેડૂતોના વીજ બિલ માફ કરવાની માગ કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલનનો મોરચો ખોલ્યો છે. ગત 21 ઓગસ્ટે
ખેડૂતો સાથે જંગી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દુષ્કાળ જાહેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી. કોંગ્રેસે ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા, રાહતકામો હાથ ધરવા, ગામડાં અને પાલિકાઓમાં પાણી પહોંચાડવા, ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા, તમામ ડેમો સૌની યોજનાથી ભરવા અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સહિતની આઠ માગો રજૂ કરી છે. દરમિયાન સુકાભઠ્ઠા સાની ડેમમાં દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજીને કોંગ્રેસ દ્વારા વિરોધનો અનોખો પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના આ આંદોલનો વચ્ચે હવે સરકાર પર દુષ્કાળ અંગે તાત્કાલિક નિર્ણય લેવાનું દબાણ વધ્યું છે. ઓછા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી હોવાથી આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
જૂનાગઢ ઃ જિલ્લામાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા દોઢમાસ કરતાં પણ વધારે સમયથી વરસાદ ન થતાં જગતના તાત ખેડૂતોનો ઉભો પાક મોલ સુકાઈ રહ્યો છે માલધારીઓ અને પશુપાલકો, શ્રમિકો ભયંકર કપરી સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે આવતીકાલ તા.31 ના સવારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. જિલ્લામાં સમયસર વાવણીલાયક વરસાદ બાદ મેઘરાજાએ છેલ્લા દોઢેક માસથી મોઢું ફેરવી લેતા ખેતરોમાં લહેરાતી મૌલાતો સુકાવા લાગી છે. આ અંગે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર મારફતે આવતીકાલ તા.31 ના સવારે 10 કલાકે આવેદનપત્ર આપવામાં આવશે.