• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ગોંડલ : ત્રિપલ સવારી બાઇક રેંકડી સાથે અથડાતા પિતાનું મૃત્યુ

શ્રીનાથગઢ-માંડણકુંડલા રોડ પર પાણીપૂરીની રેકડી સાથે અકસ્માત સર્જાતા પરપ્રાંતીય ખેતમજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ

ગોંડલ, તા.30 : ગોંડલ તાલુકાનાં શ્રીનાથગઢ અને માંડણકુંડલા વચ્ચે ગત રાત્રે પૂરપાટ વેગે આવી રહેલું ત્રિપલ સવારી બાઇક પાણીપૂરીની રેકડી સાથે ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેની સાથે સવાર પુત્ર સહિત બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને ત્વરિત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પાણીપૂરીની રેકડી રસ્તા પર ઊંધી વળી ગઈ હતી અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જે મામલે સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ દેવચડી ગામના સરપંચ મનિષભાઈ પટોડિયાની વાડીએ ખેતમજૂરી કરતા પરપ્રાંતીય રાજેશભાઈ કાવડિયા, તેમનો પુત્ર શિવમ અને હિતેનસિંગ કોટવાલ ગત રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે સ્પ્લેન્ડર બાઇક પર સવાર થઈને શિવરાજગઢ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીનાથગઢ અને માંડણકુંડલા વચ્ચે સામેથી આવી રહેલી પાણીપૂરીની રેકડી સાથે તેમનું બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજતા પુત્ર શિવમની નજર સમક્ષ જ પિતાએ દમ તોડયો હતો.

મૃતક રાજેશભાઈ સંતાનમાં બે દીકરા અને એક દીકરી ધરાવતા હતા અને આ દુર્ઘટના અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક