-શ્રાવણના પ્રારંભે જ મેઘરાજાએ અમીવર્ષા વરસાવી, પ્રથમ દિવસે 31 ધ્વજા ચડી
-મહાદેવને પ્રાતઃ આરતીમાં મહાદેવને પીળા કલરના વસ્ત્રો- રંગબેરંગી ફૂલોનો તો સાયં આરતીમાં પીળા કલરના પુષ્પોનો અલૌકિક શણગાર
વેરાવળ, તા.13ઃ પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભકતોની ભીડ જામી હતી. સોમનાથ મંદિરના દ્વાર ખુલવા સમયે શિવ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. ભક્તોના હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠતા મંદિર-પરિસર અને યાત્રાધામનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. તો શ્રાવણ માસમાં ભાવિકોની ભીડને ધ્યાને રાખીને મંદિર ખાતે ઝેડ પ્લસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તો આજે શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારે મેઘરાજાએ પણ પધરામણી કરી ઝરમર રૂપી હેત વરસાવ્યું હતું.
શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રાર્થના આરતી સમયે મહાદેવને પીળા વસ્ત્રો અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. તો સાંજે સાયં આરતી સમયે મહાદેવને પીળા પુષ્પોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધનયતા પ્રાપ્ત કરી હતી. આજે પ્રથમ દિવસે શિવ ભક્તો દ્વારા 31 ધ્વજારોહણ
મહાપૂજા કરવામાં આવી હતી. જે મંદિરના શિખર ઉપર એક પછી એક ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત સોમેશ્વર મહાપૂજા, પાઘપૂજા, ગંગાજળ અભિષેક સહિતની અનેક પૂજાઓ કરી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
---------
મંદિર પરિસરમાં 51 કુંડી
મહામૃત્યુંજય મહાયજ્ઞનો શુભારંભ
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’ ની ભક્તિભાવપૂર્વક શરૂઆત અંતર્ગત મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અર્થે શ્રાવણ માસના 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞના અનુષ્ઠાનનો શાસ્ત્રોક્ત વિધિ-િવધાન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર મહાયજ્ઞના અનુષ્ઠાનનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી. પરમાર, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ તથા જીએમ વિજયાસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસમાં દેશ-િવદેશથી આવતા શિવભક્તો પણ આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થઈ શકે તેવુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞમાં આહુતિ આપવા માટે દૈનિક 9 સ્લોટ રાખવામાં આવ્યા છે. આ વ્યવસ્થાના માધ્યમથી દરરોજ હજારો ભક્તો સરળતાથી મહાયજ્ઞનો લાભ લઈ શકશે અને મહામૃત્યુંજય મંત્રના જપ સાથે આહુતિ અર્પણ કરી ધન્યતાનો અનુભવ કરી શકશે.