નવીદિલ્હી,તા.12: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં લુંગીવાલા
શબ્દના ઉપયોગને લઈને રાજકીય ઘમસાણ સર્જાયું હતું. આ વિવાદ મુખ્યત્વે કમ્યુનિસ્ટ પાર્ટી
અૉફ ઇન્ડિયા-માર્ક્સવાદી (સીપીઆઈ-એમ)ના સાંસદ ડૉ. જોન બ્રિટાસ અને ભાજપનાં સાંસદ સુષ્મિતા
દેવ વચ્ચે થયો હતો.
હકીકતમાં,
કેરળના સીપીઆઈ-એમના રાજ્યસભા સાંસદ ડૉ. જોન બ્રિટાસે આરોપ લગાવ્યો હતો કે ઇન્કમ ટેક્સ
(સુધારા) વટહુકમ પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ સુષ્મિતા દેવે તેમને વારંવાર લુંગીવાલા
કહીને સંબોધ્યા હતા. જોન બ્રિટાસે આને દક્ષિણ ભારતીયોની સાંસ્કૃતિક અને પ્રાદેશિક ઓળખનું
અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે લુંગી દક્ષિણ ભારતનો પરંપરાગત પોશાક છે અને તેનો અપમાનજનક
રીતે ઉપયોગ કરવો જૂની રૂઢિગત માન્યતાઓને દર્શાવે છે. સાંસદ જોન બ્રિટાસે આ ટિપ્પણી
સામે રાજ્યસભાના નિયમો હેઠળ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. આ ટિપ્પણીના વિરોધમાં
વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વારની બહાર પરંપરાગત ધોતી/મુંડુ પહેરીને વિરોધ પ્રદર્શન
કર્યું હતું.