- વધુ ખાંડ, મીઠું અને ચરબી ધરાવતા પેકિંગ ઉપર ચેતવણી મુદ્દે સરકાર અને એફએસએસએઆઇનાં વલણ ઉપર નારાજગી બતાવી ઃ સુનાવણીમાં કહ્યું, અદાલત અમલવારી કરાવશે
નવી દિલ્હી, તા. 13 ઃ સુપ્રીમ કોર્ટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)ની અચકાટ ઉપર સવાલ ઉઠાવ્યો હતો જેમાં વધારે ખાંડ, મીઠું અને ચરબી ધરાવતાં પેકેજ્ડ ફૂટ પ્રોડક્ટસના પેકિંગ ઉપર જ ચેતવણી લગાડવામાં અચકાય રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એફએસએસએઆઇનાં વલણ ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે શું અધિકારીઓ કોર્પોરેટ્સના દબાણમાં છે ? ત્યારબાદ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો સરકાર કે એફએસએસએઆઇ અમલવારી ન કરી શકે તો અદાલત કરાવશે.
શીર્ષ અદાલતે કેન્દ્ર અને એફએસએસએઆઇને કહ્યું હતું કે, આ મામલો નાગરીકો, ખાસ કરીને વધતી ઉંમરનાં બાળકોનાં સ્વાસ્થ્ય સંબંધિત છે અને તેમના સંબંધિત નિર્ણયો કોર્પોરેટ એકમોનાં દબાણમાં પ્રભાવિત થવા જોઈએ નહીં. એક જનહિતની અરજી ઉપર સુનાવણી કરતા જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે એફએસએસએઆઇ અને કેન્દ્રને આકરા સવાલો કર્યા હતા. કોર્ટે ગંભીરતાથી ધ્યાન આપ્યું હતું કે, ફૂટ સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખીને એફએસએસએઆઇ અસરકારક નિર્ણયો લેવામાં અચકાય રહ્યું છે. અરજકર્તાએ સાતમી માર્ચના રોજ એફએસએસએઆઇની બેઠકના નિર્ણયોનો હવાલો આપીને કહ્યું હતું કે, તેમાં લેવામાં આવેલા નિર્ણયો અદાલતી આદેશોથી ઉલટ જ હતા. વધુમાં એફએસએસએઆઇએ પેકેટ ઉપર વોર્નિંગ મામલે ઇન્ડસ્ટ્રીઝના વિરોધની વાત કરી હતી. જેના ઉપર કોર્ટે પૂછયું્ હતું કે શું એફએસએસએઆઇ ફૂડ મેન્યુફેક્ચરિંગમાં સામેલ કોર્પોરેટ એકમોથી ડરી રહ્યું છે.