• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

અમરેલીમાં આવતીકાલે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

-ફૂલ-ડ્રેસ રિહર્સલમાં પરેડ, મહિલા રાયફલ ડ્રીલ અને સુરક્ષા વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ; રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું શહેર

 

અમરેલી તા.13 ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી વર્ષે અમરેલી જિલ્લાના આંગણે યોજાનાર હોવાથી સમગ્ર જિલ્લામાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો માહોલ છવાયો છે. રાજ્યકક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ અને ગરિમાપૂર્ણ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમનું અંતિમ ફૂલ-ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. પ્રભારી સચિવે પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નાગરિકોની બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, કાયદો અને સુરક્ષા વ્યવસ્થા તેમજ કાર્યક્રમના સુચારુ સંચાલન અંગેની તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રિહર્સલ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ કાર્યક્રમની દરેક કડી અને ક્ષણનું ગ્રાઉન્ડ લેવલ પર બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. વાસ્તવિક કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની ઉણપ રહે અને તમામ કાર્યક્રમો સમયબદ્ધ, શિસ્તબદ્ધ તથા સુમેળભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે રિયલ ટાઇમ શેડ્યૂલ મુજબ આખરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. આઝાદીના પર્વની મુખ્ય ઉજવણીમાં મહિલા રાયફલ ડ્રીલ સહિત રાષ્ટ્રધ્વજને સલામી આપવાના કાર્યક્રમો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. સશક્ત અને આત્મનિર્ભર નારીશક્તિની ઝાંખી કરાવતી પ્રસ્તુતિ નાગરિકોમાં દેશપ્રેમ અને ઉત્સાહનો નવો સંચાર કરશે. મહત્વપૂર્ણ અંતિમ રિહર્સલ દરમિયાન અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક