• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

કીર્તિમંદિરમાં દારૂ પીતા બે સફાઇ કર્મચારીઓ સામે અંતે ગુનો થયો દાખલ

બે મહિના પહેલા દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો

પોરબંદર, તા.13: ગાંધીબાપુના ધામ કીર્તિમંદિરમાં પીધેલીયા બે સફાઇ કર્મચારીઓ સામે અંતે પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો છે. જે તે સમયે દારુ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો હોય ત્યારે કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવ્યો હતો પરંતુ અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું હોવાનું બ્લડ રિપોર્ટમાં ખૂલ્યું છે.

બનાવની વિગત એવી છે કે પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિમંદિર જે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ છે અને ત્યાં માત્ર દેશના જ નહી પરંતુ વિશ્વભરના લોકો દર્શન માટે આવે છે. અહીંયા કામ કરતા બે સફાઇ કર્મચારીઓ દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. પાછળના કમ્પાઉન્ડમાં કચરા પેટી પાસે બે સફાઇ કામદારો નગીનદાસ મોદીપ્લોટ શેરી નં 7માં રહેતા આકાશ સોમા સોલંકી (ઉં.વ.27) અને નગીનદાસ મોદી પ્લોટ શેરી નં. 4માં રહેતા અક્ષય અરાવિંદ પરમાર (ઉં.વ. 29) પ્લાસ્ટિકની બોટલમાં કેફી પીણુ પીતા હતા ત્યારે કોઇએ તેનો વીડિયો મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો અને સોશ્યલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસમથક ખાતે બ્રેથ એનેલાઇઝરથી આલ્કોહોલનું પ્રમાણચેક કરવામાં આવ્યુ હતુ પરંતુ તેમાં આલ્કોહોલની હાજરી આવી ન હતી તેથી બ્લડ સેમ્પલ લેવડાવીને એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતા. બંનેના બ્લડટેસ્ટ રીપોર્ટમાં આલ્કોહોલની હાજરી જણાઇ આવી હતી તેથી બે મહિના પછી હવે કીર્તિમંદિર પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઇ. ભરત સોમજી ચાંડપાએ બંને સફાઇ કામદારો આકાશ સોલંકી અને અક્ષય પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક