- મહારાષ્ટ્રનાં નાંદેડમાં ગુરુદ્વારા જતાં પંજાબનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી ઉપર નિહંગનાં વેશમાં હુમલાખોરે કિરપાણનાં ઘા માર્યા ઃ હાથમાં ઈજાઃ હોસ્પિટલમાં દાખલ, મોદી અને ફડણવીસે ફોન કરી સ્વાસ્થ્યની જાણકારી મેળવી
મુંબઈ, તા.13ઃ મહારાષ્ટ્રનાં નાંદેડમાં પંજાબનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અકાલીદળનાં અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ ઉપર ઘાતકી હુમલો થયો હતો અને હાથમાં ઈજાનાં કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલો માતા સાહેબ ગુરુદ્વારા પાસે થયો હતો અને ધારદાર હથિયારથી હુમલો કરનાર નિહંગની ધરપકડ કરી લેવામાં આવી છે. આ હુમલામાં બાદલની સુરક્ષામાં તૈનાત એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુખબીર સિંહ બાદલનાં પત્ની હરસિમરત કૌરને ફોન કરીને સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ બાદલ અને નાંદેડનાં પોલીસ કમિશનરને ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. આ હુમલા પાછળનાં ઈરાદાની તપાસ માટે ગહન તપાસનાં નિર્દેશ પણ આપ્યા હતાં.
બાદલ આજે પોતાના પરિવાર સાથે નાંદેડનાં ગુરુદ્વારામાં દર્શનાર્થે પહોંચ્યા હતાં. આ દરમિયાન નિહંગનાં વેશમાં આવેલા એક શખસે તેમનાં ઉપર કથિત રીતે કિરપાણથી હુમલો કરી દીધો હતો. આરોપીની ઓળખ જસપાલ સિંહ તરીકે થઈ છે. આ હુમલામાં બાદલને હાથમાં ઈજા થઈ હતી. જેને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં અને ઈલાજ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ડૉક્ટરોનાં જણાવ્યા પ્રમાણે સ્થિતિ ખતરાજનક નથી.
બાદલ ગુરુદ્વારામાં જઈ રહ્યા હતાં ત્યારે હુમલાખોર તેમની પાસે ધસી આવ્યો હતો અને કૃપાણ મારવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તાબડતોબ બાદલને બચાવવાનાં પ્રયાસ કર્યા, તેમ છતાં બાદલ ઘાયલ થઈ ગયા હતાં.
બાદલ ઉપર હુમલો કરનાર જસપાલ સિંહ પુણેનો રહેવાસી છે અને તેની ઉંમર 62 વર્ષની
છે. તે વકીલ હતો. છેલ્લા બે વર્ષથી તે નાંદેડ પાસે મુગતમાં માતા સાહેબ ગુરુદ્વારામાં સેવાદાર હતો. પોલીસે તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે પણ હજી સુધી હુમલાનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.
આ પહેલા ડિસેમ્બર 2024માં અમૃતસરનાં સ્વર્ણમંદિર પરિસરમાં પણ બાદલ ઉપર ગોળીબાર થયો હતો. હવે નાંદેડ હુમલા બાદ બાદલનાં રાજકીય અને ધાર્મિક વિવાદ પણ ફરી ચર્ચામાં આવ્યા છે. કહેવાય છે કે, બાદલ ઉપર હુમલા પહેલા આરોપીએ કંઈક બોલાચાલી પણ કરી હતી.