• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

બાબરાની બાયો કોલ ફેક્ટરીમાં મજૂરની હત્યા

બાબરા, તા.13: બાબરાથી ચાવંડ જતા ભાવનગર હાઇવે પર હનુમાનજી મંદિર નજીક આવેલી ઓમ ટ્રાડિંગ બાયો કોલ ફ્યુઅલ ફેક્ટરીમાં કાકા તરીકે ઓળખાતા શ્રમિકની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે બાબરા પોલીસે ફેક્ટરી સુપરવાઈઝરની ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં કામ કરતા બે પરપ્રાંતીય શ્રમિકો સાથે રહેતા હતા અને બંને જાતે રસોઈ બનાવતા હતા. દરમિયાન 12 ઓગસ્ટની રાત્રે ફેક્ટરી સુપરવાઈઝર કામ અર્થે ત્યાં પહોંચ્યા ત્યારે કાકા નામથી ઓળખાતા શ્રમિક લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જ્યારે તેમની સાથે રહેતો મુકેશભાઈ રાણા ત્યાં હાજર ન મળતાં સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે સુપરવાઈઝરને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુકેશ છગનલાલ રાણા, રહે. આડોર, જિ. બંસવાડા, બસ સ્ટેશન નજીક જોવા મળતાં પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બન્ને શ્રમિકો વચ્ચે અગાઉ રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાઝ રાખીને મુકેશભાઈ રાણાએ કાકા તરીકે ઓળખાતા સાથી શ્રમિક પર લોખંડની કોષ વડે હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે. હુમલામાં કાકાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ માર માર્યો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતક શ્રમિક કાકાની સાચી ઓળખ તેમજ તેમના વતન અને સગા-સંબંધીઓ અંગે પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક