20 ઘાતક યુદ્ધ જહાજો કરી દીધા તૈનાત ઃ ઈરાન ઉપર દબાણ વધારવાનો પ્રયાસ
નવી દિલ્હી, તા.10ઃ ઈરાન સાથે ઘેરાતા તનાવ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (સેન્ટકોમ) હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ 20થી વધુ યુદ્ધજહાજો તૈનાત કરી દીધા છે. વાશિંગ્ટન દ્વારા ઈરાન વિરુદ્ધ પોતાની નાકાબંધી વધુ સઘન બનાવવામાં આવી રહી છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. હોર્મુઝ આસપાસ વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ તૈનાતી કરવામાં આવી છે. તેહરાને સ્પષ્ટ કહ્યું છે કે વાણિજ્યિક જહાજોની અવરજવર માટે આ વ્યૂહાત્મક જળમાર્ગ ફરીથી ખોલતા પહેલાં તેની માગણીઓ પૂરી કરવી પડશે.
સેન્ટકોમના જણાવ્યા અનુસાર, અમેરિકન નૌકાદળના ડિસ્ટ્રોયર યુએસએસ રોસ પર સવાર નૌસૈનિકો પણ આ વિસ્તારમાં તૈનાત દળોનો ભાગ છે. કમાન્ડે જણાવ્યું કે આ યુદ્ધજહાજો વિવિધ સૈન્ય મિશનોને સમર્થન આપી રહ્યા છે, જેમાં ઈરાન વિરુદ્ધ અમેરિકન નાકાબંધીને કડક રીતે લાગુ કરવાનું પણ સામેલ છે. 9 ઓગસ્ટ
સુધીમાં સેન્ટકોમે 55 વાણિજ્યિક
જહાજોને અન્ય દિશામાં વાળ્યા છે, બે જહાજોને અટકાવ્યા છે અને બે જહાજો પર ચઢીને નિયમોનું પાલન સુનિશ્ચિત કર્યું છે.
આ તૈનાતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈરાન અને ઓમાન એક સમજૂતીની નજીક પહોંચી ગયા છે, જેના કારણે હોર્મુઝમાંથી નવી શાપિંગ લેન બનાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે જણાવ્યું હતું કે હોર્મુઝ અંગે ઓમાન સાથેની સમજૂતી અંતિમ ચરણમાં છે. જોકે, તેહરાને સ્પષ્ટ કરી દીધું છે કે જળમાર્ગ ફરીથી ખોલવો એ અમેરિકાની કેટલીક શરતો પૂરી કરવા પર નિર્ભર રહેશે. ઈરાને અમેરિકન હુમલાઓથી થયેલા નુકસાનનું વળતર, પ્રતિબંધો અને સૈન્ય ધમકીઓનો અંત તેમજ ખાડીમાં અમેરિકન નૌકાદળની નાકાબંધી હટાવવાની માગ કરી છે. બીજી તરફ, એક અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે, જો વિના અવરોધ વાણિજ્યિક જહાજોની અવરજવર ફરી શરૂ કરવા અંગેની સમજૂતી જાહેર કરવામાં આવશે, તો વાશિંગ્ટન ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવી દેશે. અધિકારીએ કહ્યું કે અમેરિકાની કાર્યવાહી ઈરાન દ્વારા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા સાથે જોડાયેલી રહેશે.
---------------------
હૂથી વિદ્રોહીઓનાં ક્ષેત્રમાંથી બે જહાજોને સુરક્ષિત કાઢતી ભારતીય નૌસેના
નવી દિલ્હી, તા.10ઃ રાતા સમુદ્ર અને એડનની ખાડી વચ્ચે આવેલાં વિશ્વના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પૈકી એક એવા બાબ અલ-મંદેબ તાજેતરના વર્ષોમાં યમનના હૂથી બળવાખોરોના હુમલાઓ અને પ્રાદેશિક તણાવને કારણે અત્યંત જોખમી બની ગયો છે. આવી પડકારજનક સ્થિતિમાં ભારતીય નૌકાદળે ફરી એકવાર અહીં પોતાની સમુદ્રી સુરક્ષા ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો આઈએનએસ ત્રિશૂલ અને આઈએનએસ આદિત્યએ ક્રૂડ ઓઇલના બે ટેન્કર એમટી-કમ્પાસ અને એમટી-થલાટ્ટાને આ જોખમી વિસ્તાર સુરક્ષિત રીતે પસાર કરાવ્યો છે. બંને વાણિજ્યિક જહાજો 9 અને 10 ઓગસ્ટ
દરમિયાન સફળતાપૂર્વક આ વિસ્તારમાંથી પસાર થઈ ગયા હતાં.
પશ્ચિમી નૌકાદળ કમાન્ડના સત્તાવાર નિવેદન અનુસાર, આઈએનએસ ત્રિશૂલ અને આઈએનએસઆદિત્યએ આ બંને ક્રૂડ ઓઇલ ટેન્કરોને બાબ અલ-મંદેબના જોખમી વિસ્તારમાં એસ્કોર્ટ કર્યા હતાં. આ દરમિયાન જહાજો કોઈપણ પ્રકારની ઘટના વિના સુરક્ષિત રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવામાં આવી હતી. ભારતીય નૌકાદળે સ્પષ્ટ કર્યું હતું કે તે મહત્ત્વપૂર્ણ ઊર્જા કાર્ગોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા અને ભારતીય સમુદ્રી હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આ અભિયાન એડનની ખાડી અને લાલ સમુદ્ર વિસ્તારમાં ચાલી રહેલા વ્યાપક સુરક્ષા પ્રયાસોનો એક ભાગ છે.