• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

મોરબીમાં ગોડાઉનમાંથી 3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

1272 થેલી યુરિયા ખાતરનો જથ્થો સીઝ કરી કાર્યવાહી માટે ખેતી વિભાગને સોંપાયો

મોરબી, તા.10: મોરબીમાં એસ.ઓ.જી.ની ટીમે કાર્યવાહી કરતા રાજપર રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી 1272 થેલી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે. આશરે રૂ. 3.39 લાખની કિંમતના આ જથ્થાને પોલીસે સીઝ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ખેતી વિભાગને સોંપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે મોરબીના રાજપર રોડ પર મામાદેવ મંદિર સામેની શેરીમાં જય એગ્રોની બાજુમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો પડેલો છે. બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને જાણ કરી સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બડાસણાએ ભાડે રાખેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આશરે 1272 થેલી શંકાસ્પદ યુરિયા ખાતર જેની અંદાજિત કિંમત રૂ.3,38,988 થાય છે તે મુદ્દામાલ સીઝ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબીને સોંપ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક