• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ગોંડલની ગિર ગૌ જતન સંસ્થાનમાં મેનેજરે કરી રૂ.3.83 લાખની ઉચાપત

ઓડિશાના વેપારીના નાણાં સંસ્થાના બદલે મેનેજરે પોતાના ખાતામાં જમા કરાવ્યા: ગુનો નોંધાયો

ગોંડલ, તા.4: ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા ગીર ગૌ જતન સંસ્થાનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે ટ્રસ્ટ સાથે વિશ્વાસઘાત કરી રૂ.3,83,920ની ઉચાપત કરતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

વોરાકોટડા રોડ પર શીતળા માતાના મંદિર સામે આવેલી ગૌશાળામાં રહેતા અને ગિર ગૌ જતન સંસ્થાન ચલાવતા રમેશભાઈ વેલજીભાઈ રૂપારેલિયાએ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સંસ્થામાં મૂળ ભાયાવદરના અને હાલ ગોંડલ રહેતા વિજય હમીરભાઈ જંજવાડીયા છેલ્લા 7 મહિનાથી મેનેજર તરીકે નોકરી કરતા હતા. દરમિયાન ઓડિશાના શાંતનું નામનો વ્યકિત પંચગવ્ય પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હોવાથી નિયમિત ઓર્ડર આપતા હતા. શાંતનુએ ગત તા.1 ફેબ્રુઆરીથી  16 એપ્રિલ દરમિયાન અલગ-અલગ તારીખે પંચગવ્ય પ્રોડક્ટ્સનો ઓર્ડર આપ્યો હતો અને સંસ્થાન દ્વારા માલ મોકલાવી દેવામાં આવ્યો હતો. શાંતનુએ પ્રોડક્ટ્સના નાણાં ગિર ગૌ જતન સંસ્થાનના ખાતામાં જમા કરાવવાના હતા પરંતુ મેનેજર વિજય જંજવાડિયાએ પોતાના અંગત ફાયદા માટે સંસ્થાના એકાઉન્ટને બદલે પોતાનો બેંક એકાઉન્ટ નંબર આપી દીધો હતો. ગ્રાહકે મોકલેલા કુલ રૂ.3,83,920 વિજયે સંચાલકની જાણ બહાર પોતાના ખાતામાં જમા કરાવી લઈ સંસ્થા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે સંચાલક રમેશભાઈ રૂપારેલિયાએ  બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  મેનેજર વિજય હમીરભાઈ જંજવાડિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક