પ્રેમીને રૂપિયાની જરૂર પડતા ઘરમાં હાથ ફેરો કરી મુદ્દામાલ આપ્યો હતો
જેતપુર,
તા.4: જેતપુરના બોરડી સમઢિયાળા ગામે થયેલી એક ચોરીના બનાવમાં તાલુકા પોલીસે તસ્કરને
યુપીથી ઝડપી લીધા બાદ તેની પૂછતાછ કરતા ફરિયાદીની પૂત્રવધૂએ જ પોતાના ઘરમાં હાથફેરો
કરી રોકડ-દાગીના આપ્યાની કબૂલાત આપતા પોલીસે પરિણીતાની પણ ધરપકડ કરી કાર્યવાહી કરી
હતી. જેતપુરના બોરડી સમઢીયાળા ગામે રહેતાં રમેશભાઈ બાબરિયાના ઘરે ગત તા.17 જૂનના રાત્રીના
સોના-ચાંદીના ઘરેણ, રોકડ રકમ મળી કુલ રૂ.1,98,900ના મુદ્દામાલની કોઈ ચોરી કરી ગયું
હતું. બનાવમાં પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન સોર્સથી ઉત્તરપ્રદેશના
આગ્રામાંથી ચોરી કરનાર અમનાસિંગ પરમારને મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. આરોપીની પૂછપરછમાં
ફરિયાદીની પુત્રવધૂ નિશાને આરોપી અમનાસિંગ સાથે પ્રેમ સંબંધ હોય અને અમનાસિંગને પૈસાની
જરૂરિયાત હોવાનું નિશાને જણાવતા તેણીએ રાત્રે પોતાના ઘરમાં ચોરી કરી અમનાસિંહને બોરડી
સમઢિયાળા ખાતે બોલાવી ચોરીનો મુદ્દામાલ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે નિશા વિશાલ
બાબરિયાની પણ ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતા નિશાને જેલ હવાલે અને
અમનાસિંગના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતાં.