• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં નેતાઓ વચ્ચે મારામારી

હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેના પતિ ઘવાયા

સુરત તા. 5 : ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેની છાશવારે નોંધ લેવાય છે. સુરત શહેરની ઉત્તર સુરત બેઠકના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ બલરની ઓફિસમાં જ બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ઝપાઝપી અને ત્યારબાદ મારામારી થઈ હતી. હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેના પતિ ઘવાયા હતા. 

સમગ્ર ઘટના એવી છે કે, વોર્ડ નંબર પાંચમાં આવેલી ભટની વાડીના પડતર પ્રશ્નો અને ડીમોલીશન અંગેની રજૂઆતોને લઈને ધારાસભ્ય કાંતિભાઇ બલરે એક બેઠક બોલાવી હતી. જેમાં કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પડતર પ્રશ્નોને લઈને સ્થાનિક નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. એમાં માહોલ વધુ ગરમ બનતા ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી ફેંકતા મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેના પતિ મનહર વોરા ઘવાયા હતા. મનહર વોરાને આંગળીમાં ફ્રેકચર થયું છે. ધારાસભ્યની હાજરીમાં જ નેતાઓ અને આગેવાનો વચ્ચે મારામારી થતાં લોકોએ સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા. જો કે ઘવાયેલા મનહર વોરાએ પોલીસ ફરિયાદ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક