ત્રણ આરોપી ઝડપાયા ઃ પોતાને સામાજિક કાર્યકર ગણાવતી એક મહિલાની પણ ભૂમિકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 2 ઃ અમદાવાદના એરપોર્ટ નજીક ગત 27 જૂનના રોજ દુબઈથી 600 ગ્રામ સોનું લઈને આવેલા બે મુસાફરોનું બોલેરો ગાડીમાં અપહરણ કરી, તેમને એપોલો સર્કલ સુધી લઈ જઈને 64 લાખ રૂપિયાના સોનાની લૂંટ ચલાવવાની એક ઘટના બની હતી. આ ગુનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમાં ડાંગ અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા પોતાને સામાજિક કાર્યકર ગણાવતી એક મહિલાની પણ ભૂમિકા જોવા મળી છે.
ત્યારે એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરીને ઉચ્ચ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ ચાર અલગ-અલગ ટીમો બનાવી છે, જેણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં તપાસ કરીને અત્યાર સુધીમાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
એરપોર્ટ પોલીસના અનુસાર ગત 27મી જૂનના રોજ હરીશ અને ઓએસ નામના બે પેસેન્જર દુબઈથી 64 લાખ રૂપિયાની કિંમતનું 600 ગ્રામ સોનું લઈને એરપોર્ટથી નીકળ્યા હતા, ત્યારે એક મહિલા અને ચાર શખસે બોલેરો ગાડીમાં તેમનું અપહરણ કરી, માર મારીને એપોલો સર્કલ સુધી લઈ જઈ સોનાની લૂંટ ચલાવી હતી.
સમગ્ર મામલે પોલીસની ટીમોએ અલગ અલગ રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશના ટાંડા, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સર્વેલન્સના આધારે આરોપીઓની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી. જેમાં સૌપ્રથમ સીસીટીવીના આધારે અમરાઈવાડીમાં રહેતી અને પોતાને સામાજિક કાર્યકર ગણાવતી પારૂલ મિસ્ત્રી નામની મહિલાની ઓળખ થઈ હતી, આ ગુનામાં તેણે વોચર તરીકે કામ કરી અન્ય આરોપીઓને લૂંટ માટે હિન્ટ આપી હતી.
હિલા પારૂલ મિસ્ત્રી પોલીસમાં નોકરી કરતા મહિપાલાસિંહ રાઠોડના સંપર્કમાં હતી, જ્યારે મુખતિયાર અને નટવર ઉર્ફે બાબુ પરમાર એ કૃપારાવના સંપર્કમાં હતા. પોલીસની ટીમે બોલેરો ગાડી લાવનાર કૃપારાવ દેવૈયા અને નટવરલાલ ભોજાભાઈ પરમારને કર્ણાટકથી ઝડપી લીધા છે અને હાલ આ કેસમાં કુલ ત્રણ આરોપી પકડાયા છે.