• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

લાઠીના જાનબાઇ દેરડી ગામે પ્રેમસંબંધના મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું

યુવતીને ભગાડી જવાના મુદ્દે બે પક્ષો વચ્ચે લોખંડના પાઇપ, ધોકા અને પથ્થરમારો થતા સામસામે ગુના દાખલ

અમરેલી, તા.1:અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જાનબાઇ દેરડી ગામે પ્રેમસંબંધના મામલે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને પથ્થરો સાથે સામસામે ખૂની હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષો દ્વારા લાઠી પોલીસ સ્ટેશનમાં સામસામે સત્તાવાર ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેમાં એક પક્ષ તરફથી યુવતીને ભગાડી જવાના ખાર રાખીને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી આડેધડ માર માર્યાનો આક્ષેપ કરાયો છે, તો બીજા પક્ષ તરફથી દીકરીને પાછી મેળવવા સમજાવવા ગયેલા લોકો પર હુમલો કરી પથ્થરમારો કર્યાની રજૂઆત કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણમાં પ્રથમ પક્ષ તરફથી લાઠી તાલુકાના જાનબાઇ દેરડી ગામે રહેતા મહેશભાઇ શંભુભાઇ સોલંકી (ઉંમર વર્ષ 27) નામના યુવક પર તેના મોટા બાપુજીના દીકરા ગોપાલને ગામની યુવતી દર્શના સાથે પ્રેમસંબંધ હોઈ અને તેને ભગાડી ગયાના ખાર રાખીને દપાભાઈ રમેશભાઈ ચૌહાણ સહિતના 15 જેટલા શખસો દ્વારા ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે આડેધડ માર મારી માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડયાની તથા પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે સામા પક્ષેથી દિલપેશભાઇ ઉર્ફ દપાભાઇ રમેશભાઇ ચૌહાણ (ઉંમર વર્ષ 28) દ્વારા વાલજીભાઇ મેરામભાઇ સોલંકી સહિત 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોતાની દીકરી દર્શનાબેન બાબતે સમજાવવા ગયેલા ત્યારે સામેવાળા પક્ષે એકસંપ થઈ પથ્થરમારો કરી સાગરભાઈ, રોનકભાઈ અને કેતનભાઈ સહિતનાઓને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક