સમાપન સમારંભમાં 2030નાં યજમાન શહેર અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનો ઝંડો અને બેટન સોંપાયા
ગ્લાસગો, તા.2 ઃ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026ના મોડી રાત્રે યોજાયેલા સમાપન સમારંભ દરમિયાન અમદાવાદ શહેરને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ-2030નો ઝંડો અને બેટન સોંપવામાં આવ્યા હતા. આ તકે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ 2030માં રમાનાર કોમનવેલ્થ ગેમ્સની ભારતની યાત્રાની ઐપચારિક રૂપમાં યાત્રા શરૂ થઈ ગઈ છે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારંભમાં હેંડઓવર ઇવેન્ટ દરમિયાન દર્શકો સમક્ષ અમદાવાદ-2030 કોમનવેલ્થ
ગેમ્સની પહેલી ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ વિરાસત અને ગુજરાતની ઓળખ વિશેષ રૂપે પ્રદર્શિત કરાઈ હતી. આ ઝલક દ્વારા ભારતે નવા યજમાનના રૂપમાં પોતાની તૈયારી અને સંસ્કૃતિની વિવિધતાનો પરિચય આપ્યો હતો.
હેંડઓવર કાર્યક્રમની શરૂઆત વંદે માતરમની 1પ0મી વર્ષગાંઠને સમર્પિત પ્રસ્તુતિથી થઈ હતી. જેમાં સિતારવાદક ઋષભ રિખીરામ અને સ્કોટિશ પાઇપર રોસ આઇંસ્લીએ જુગલબંધી કરી મંત્રમુગ્ધ કર્યા હતા. આ પછી ભારતની દ્રષ્ય યાત્રા રજૂ કરાઇ હતી. જેમાં ગુજરાત પર વિશેષ ફોકસ કરાયું હતું.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના અધિકારી લુઇસા મહોને જણાવ્યું કે હેંડઓવર ઇવેન્ટ ફક્ત એક ઔપચારિક પરંપરા નથી પરંતુ ભારત અને સ્કોટલેન્ડને એક મંચ પર લાવવાનો અવસર બન્યો છે. અમદાવાદમાં વર્ષ 2030માં રમાનાર કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હશે. જેમાં ભારતની એક અલગ જ ઓળખ દુનિયાને જોવા મળશે.
સમાપન સમારંભ દરમિયાન ભાગ લેનાર તમામ દેશના ખેલાડીઓ ભાવુક બન્યા હતા.