ઈરાન અને ખાડી દેશોએ સમજૂતીની આશાએ હુમલા રોકવા અનુરોધ કર્યાનો અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો ઃ ઈરાને કહ્યું, આત્મરક્ષા માટે તમામ વિકલ્પ ખુલ્લા
નવીદિલ્હી, તા.2ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને ફરી એકવાર થોડો હાશકારો થાય તેવી એક ઘોષણામાં કહ્યું હતું કે, ઝડપથી કોઈ સમજૂતી થઈ શકે તે માટે તેમણે હાલ ઈરાન ઉપર હુમલાની યોજના પડતી મૂકી છે. તેમણે દાવો કર્યો હતો કે, ઈરાન અને મધ્યપૂર્વના અન્ય દેશોએ તેમને હુમલા રોકવા આગ્રહ કર્યો હતો. જો કે ઈરાને ટ્રમ્પના દાવાનો જવાબ આપતાં કહÎું હતું કે, તે કોઈપણ સ્થિતિ માટે તૈયાર છે.
ઈરાન અને અન્ય ખાડી દેશોએ હુમલા રોકવા માટે અનુરોધ કર્યાના ટ્રમ્પના દાવા પછી સૈન્ય અધિકારીઓનાં હવાલેથી ઈરાની મીડિયામાં અહેવાલ આવ્યા હતાં કે, આ વધુ એક જુઠાણું છે અને ઈરાની સેના કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખૂલી જાય અને ઈરાનથી પરમાણુ ખતરો ખતમ કરવા સહિતની સમજૂતી માટે હાલ હુમલા રોકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે ઈરાન કહે છે કે, અમેરિકા પોતાની દુશ્મનાવટભરી હરકતો જારી રાખશે તો હોર્મુઝ બંધ જ રહેશે.
ઈરાને એવું પણ ઉમેર્યું હતું કે, અમેરિકાની ધમકીઓ, અવૈધ હુમલા અને સમુદ્રી દબાણનો દૃઢતાથી મુકાબલો કરવામાં આવશે અને આત્મરક્ષા માટે તમામ વિકલ્પોનો પણ ઉપયોગ કરવામાં આવશે.