સુરત, તા. 2 : સુરત શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ઉત્રાણ, મહિધરપુરા અને અમરોલી પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજા અને એમ.ડી. ડ્રગ્સ સહિત કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્રાણ
પોલીસની પ્રથમ કાર્યવાહીમાં વિજયનગર સોસાયટીમાંથી જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા અમિત
ઉર્ફે બંટી રામનેવલ (ઉં.વ.28) અને દશરથ ઉર્ફે પાવલી રામદયાલ વર્મા (ઉં.વ.24)ને ઝડપી
પાડવામાં આવ્યા હતા. બન્ને પાસેથી 37.91 ગ્રામ ગાંજા સહિત રૂ.7,395નો મુદ્દામાલ કબજે
કરાયો હતો.
પોલીસે
બીજી કાર્યવાહીમાં અગાઉ ઝડપાયેલા કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ (ઉં.વ.29)ના રિમાન્ડ
દરમિયાન મળેલી માહિતીના આધારે રાધે રેસિડેન્સી ખાતે તેના ઘરે તપાસ કરી હતી. અહીંથી
45.55 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સહિત રૂ.5,05,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
મહિધરપુરા
પોલીસે સુરત સીટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 નજીકથી ગંજામ, ઓરિસ્સાના સિમાંચલ સંતોષ
ગૌડા (ઉં.વ.26)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી 9.90 કિલો ગાંજા સહિત રૂ.5,06,050નો
મુદ્દામાલ કબજે કરાયો હતો.
અમરોલી
પોલીસે કોસાડ આવાસમાંથી તોસીફશાહ અબ્દુલશાહ દીવાન (ઉં.વ.30)ને ઝડપી 1.620 ગ્રામ એમ.ડી.
ડ્રગ્સ સહિત રૂ.34,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ મામલે કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.