• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ભારે વરસાદ વચ્ચે ડૂબી જવાની વધુ બે ઘટના

બાબરાના મોટા દેવળીયા અને વિરમગામમાં તણાઈ જતા બે કિશોરના મૃત્યુ

પશુ ચરાવવા ગયેલો તરુણ પગ લપસતા નદીમાં પડી જતા બની દુર્ઘટના

બાબરા, અમરેલી, વિરમગામ,

તા.2 : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની વધુ બે ઘટના સામે આવી છે. બાબરાના મોટા દેવળીયા ગામે પશુ ચરાવવા નીકળેલો કિશોર નદીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વિરમગામમાં ગરનાળાના પાણીમાં તણાઈ જતા 14 વર્ષીય કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના મોટાદેવળિયા ગામે પોતાના બકરા ચારવા નીકળેલો ભરત મેરામભાઈ બાસુરિયા (ઉ.વ.13) નામનો સગીર વાસાવડી નદી નજીક પશુ ચરિયાણ કરાવતો હતો ત્યારે નદી નજીક પોતાનો પગ લપસી જતા નદીના વહેણમાં પડી ગયો હતો અને પાણીમાં ગુમ થતા સ્થાનિક પોલીસ અને મામલતદાર કચેરીમાં બનાવ અંગે જાણ કરતા જીલ્લા બચાવ ટીમ કામે લાગી હતી. નદી અંદર આવેલા ઊંડા પાણીના ધુનામાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. સ્થાનિક પોલીસ વર્તુળ દ્વારા બાળકનો મૃતદેહ પી.એમ અર્થે બાબરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે.

બીજા બનાવમાં વિરમગામના સેતવાડ વિસ્તારમાં રહેતા પરિવારનો 14 વર્ષીય કિશોર સાહિલ ફીરોઝભાઈ સિપાઈ સગા-સંબંધીઓ સાથે બપોરના સુમારે બાલાપીર દરગાહ પાસે આવેલા પંદર ગરનાળામાં ભરાયેલા પાણી જોવા ગયો હતો. દરમિયાન કિશોરનો પગ લપસી જતાં પડી ગયો હતો અને ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને વિરમગામ નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ સઘન શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. બીજા દિવસે સવારે વિરમગામ નગરપાલિકા અને સાણંદ નગરપાલિકા ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમ, સ્થાનિક તરવૈયાઓએ કિશોરની શોધખોળ આદરી હતી. ઘટનાના 24 કલાક બાદ શુક્રવારે સાંજે સાહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કિશોરના મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ

ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક