• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

આપણી આખી સિસ્ટમ ફેઈલ થઈ ગઈ છે : પાક. ગૃહમંત્રી

નક્વીએ પાક.ની વાસ્તવિકતાને સ્પષ્ટ શબ્દોમાં ઉજાગર કરીને દેખાડયો ઉકેલ : જો કે ઉકેલ અસંભવ !

ઈસ્લામાબાદ,તા.2: પાકિસ્તાનમાં સિસ્ટમ-વ્યવસ્થા સદંતર નિષ્ફળ બની ગઈ છે અને હવે તેને બચાવવાનો એક જ રસ્તો છે. તેવું ગંભીર અને મોટું નિવેદન આપીને પાક.નાં ગૃહમંત્રી મોહસીન નક્વીએ પાક.ને ઉગારવા માટે રસ્તો તો બતાવ્યો હતો પણ તે કોઈપણ હિસાબે સંભવ હોય તેવું લાગતું નથી.

ઈસ્લામાબાદમાં આયોજિત પાક. ઈકોનોમિક સમિટ-2026ને સંબોધતા નક્વીએ કહ્યું હતું કે, દેશની હાલતને બહેતર બનાવવા માટે એક જ ઉકેલ છે. પ્રશાસનિક એકમો, પ્રાંતો કે પછી કોઈપણ એકમ હોય, સમગ્ર બાબત જનતાની સામે લાવવી પડશે. તમામ રાજકીય પક્ષોએ એક જગ્યાએ સાથે બેસવું જોઈએ. પછી ભલે તે એક દિવસ, એક માસ કે એક વર્ષ માટે ચર્ચા ચાલે પણ બધાએ સાથે મળીને દેશનાં તમામ મુદ્દા ઉકેલવા પડશે. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી દેશ આવી જ હાલતમાં રહેવાનો છે.

પાક.નાં વિભિન્ન રાજ્યોમાં વધતી હિંસા અને વિભાજનવાદને ધ્યાને રાખીને હવે રાજકીય પક્ષોએ બહેતર શાસન અને વધુ પ્રાંત અને પ્રશાસનિક એકમોની માગણી ઉઠાવી છે. નવાઝ શરીફનાં પક્ષ પીએમએલ-એનનાં નેતૃત્વમાં સત્તારૂઢ ગઠબંધન એમક્યુએમ-પી દ્વારા કરાચીને સિંધથી અલગ પ્રાંત ઘોષિત કરવાની માગણી થઈ રહી છે. બીજીબાજુ પીપીપી અને ઈમરાન ખાનનો પક્ષ લાંબા સમયથી દક્ષિણ પંજાબ પ્રાંતની રચના કરવાની માગણી કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક