• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

બાબરા : ટ્રકના ચોરખાનામાંથી 12.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કોટડાપીઠા ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઇવે પર કાર્યવાહી; રાજસ્થાનના ટ્રક ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

અમરેલી, બાબરા તા.2: બાબરા પોલીસ સ્ટેશનની ટીમે કોટડાપીઠા ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઇવે પર વાહન ચાકિંગ દરમિયાન ટ્રકના ગુપ્ત ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 12,75,200નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

લાઠી-બાબરા વિભાગીય પોલીસ વડા વિસ્મય માનસેતાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડવા બાબરા પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસની ટીમે કોટડાપીઠા ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકની સઘન તપાસ દરમિયાન તેમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 મિલીલીટરની કુલ 2,275 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 2,70,200 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂ ઉપરાંત 10 લાખની કિંમતનો ટ્રક તેમજ 5,000ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ 12,75,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં ટ્રકના ચાલક મનોહરલાલ ચતરારામ ખીલોરી બિશ્નોઇ, રહેવાસી રાજસ્થાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં

આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક