• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

મોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના બહાને 1.13 કરોડની છેતરાપિંડી : જાનથી મારી નાખવાની ધમકી

આલાપ પાર્ક વિસ્તારના આધેડ સાથે વિશ્વાસઘાત : પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

મોરબી, તા.1: મોરબીમાં ઠગાઈ અને વિશ્વાસઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં તાજેતરમાં મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં રહેતા એક આધેડ સાથે ભંગારના કારખાનામાં ભાગ રાખવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મૂળ બિલીયા ગામના વતની અને હાલ મોરબીના આલાપ પાર્ક શેરી નંબર 11 માં રહેતા આધેડે ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા નામના શખસ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દ્વારા ફરિયાદીને ભંગારના ધંધામાં નફો કમાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને અલગ-અલગ સમયે તેમની પાસેથી કુલ મળીને 1.13 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી.

આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિલિયા ગામના અને હાલ મોરબીના આલાપ પાર્ક શેરી નંબર 11માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (ઉંમર વર્ષ 50) એ આલાપ પાર્ક શેરી નંબર 3 માં રહેતા ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણિયા સામે વિશ્વાસઘાત અને છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી છે. આધેડ દ્વારા વારંવાર માંગણી કરવા છતાં આરોપીએ તેમને કારખાનામાં ભાગીદાર તરીકે ન તો સામેલ કર્યા કે ન તો તેમના લીધેલા 1.13 કરોડ રૂપિયા પરત આપ્યા, અને ઉલટાનું રૂપિયા માંગવા બાબતે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર આધેડની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની સઘન તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક