-31
જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
-NDRF, SDRF સહિતની ટીમો સજ્જ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ,
તા. 29 : રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદ સાથે
60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી રાજ્ય સરકાર અને આપત્તિ
વ્યવસ્થાપન તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
હવામાન
વિભાગના અનુમાન મુજબ 29 અને 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત સહિત
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જ્યારે 31 જુલાઈના
રોજ અમદાવાદ,
આણંદ,
વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં
આવ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ
આપવામાં આવ્યું છે.
ગાંધીનગર
સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં
વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય,
વન, કૃષિ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની
સુરક્ષા અને રાહત-બચાવ કામગીરી માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે
તમામ વિભાગોને પોતાના સાધનો અને ટીમોનું માપિંગ પૂર્ણ કરી તાત્કાલિક કાર્યવાહી માટે
તૈયાર રહેવા સૂચના આપી છે. ભારે પવન અને વરસાદના કારણે નુકસાન અટકાવવા માટે જર્જરિત
ઇમારતો, હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવા પણ તાકીદ કરવામાં આવી છે. માછીમારોને આગામી
ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાહત
કમિશનરે એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ અને
કામગીરી અંગે કહ્યું હતું કે, તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં હજારો
નાગરિકોના જીવ બચાવી શકાયા છે. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ
સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં
આવ્યા હતા. પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં
આવ્યા છે.