• ગુરુવાર, 30 જુલાઈ, 2026

લાલચમાં આવી બેંક ખાતું ભાડે આપ્યું તો સીધા જેલમાં જશો!

રાજકોટ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી: ‘મ્યુલ હન્ટ’ અભિયાન હેઠળ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

ઋત્વિક જે. જોષી

રાજકોટ, તા.29: સાયબર અપરાધોની દુનિયામાં અત્યારે ‘મ્યુલ એકાઉન્ટ’ ઠગોનું સૌથી મોટું અને ખતરનાક હથિયાર બની ગયું છે. રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ ‘મ્યુલ હન્ટ 1’ અંતર્ગત એ.પી.એમ.સી. પેઢીની આડમાં ચાલતું 2500 કરોડ રૂપિયાનું જંગી આંતરરાજ્ય નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું, અને હાલમાં ‘મ્યુલ હન્ટ 2.0’ અભિયાન હેઠળ આક્રમક તપાસ હાથ ધરીને જિલ્લામાં 10 જેટલી એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. આજના ડિજીટલ યુગમાં ઘર, દુકાન કે મકાન ભાડે આપવાના જમાનામાં હવે લોકો થોડીક વધારાની આવક મેળવવાની લાલચમાં પોતાના બેંક ખાતા પણ ભાડે આપી રહ્યા છે, જે સાયબર ગુનાઓ માટે સીધા શસ્ત્ર સાબિત થઈ રહ્યા છે અને અજ્ઞાનતાને કારણે ભોળા નાગરિકો કાયદાના સકંજામાં ફસાઈ રહ્યા છે. આ વાતની ગંભીરતા ત્યારે સમજાય છે જ્યારે થોડા સમય પહેલાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી; જેમાં એક વ્યક્તિએ પોતાનું બેંક ખાતું ભાડે આપ્યું હતું અને તેમાં સાયબર ફ્રોડ થતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કાનૂની કાર્યવાહીના પરિણામે તેની રોજીરોટી માટેની રીક્ષા પણ વેચાઈ ગઈ, પત્ની પણ તેને છોડીને માવતર ચાલી ગઈ અને યુવાન સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયો!

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અજ્ઞાનતા, ગરજ કે થોડા પૈસા કમાવવાની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ અન્ય કોઈને વાપરવા માટે આપે છે, ત્યારે તેને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. સાયબર ફ્રોડ આચરનારાઓ રોજમદાર લોકો, સામાન્ય નાગરિકો કે જરૂરિયાતમંદોને વિશ્વાસ અપાવે છે કે આ ખાતું સારા કામ માટે કે સરકારી યોજનાઓ માટે છે. વાસ્તવમાં, આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદે નાણાની લેણદેણ માટે થાય છે. આ આંતરરાજ્ય રેકેટ પાછળ મ્યાનમાર અને કમ્બોડિયાની કુખ્યાત કંપનીઓ અને ચાઈનીઝ સાયબર માફિયાઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

જો કોઈ વ્યક્તિ પોતાનું બેંક એકાઉન્ટ બીજાને વાપરવા આપે, તો સાયબર અપરાધીઓએ આચરેલા ગુનામાં તેટલી જ મદદગારી ગણાય છે. કાયદાકીય જોગવાઈ મુજબ, અપરાધ સાબિત થતાં અસલ ગુનેગાર જેટલી જ સજા ખાતાધારકને પણ થઈ શકે છે. જો આવા ખાતામાંથી હેરફેર થયેલા નાણાંનો ઉપયોગ આતંકવાદ જેવા જઘન્ય અપરાધમાં થયો હોય, તો ખાતાધારક પણ ગંભીર ગુનાના આરોપી બની શકે છે. આ પ્રકારની સંડોવણીથી વ્યક્તિ કાયમ માટે સરકારી નોકરી, વિદેશ યાત્રા, લોન અને અન્ય વ્યવસાયિક પ્રક્રિયાઓથી વંચિત રહી શકે છે.આ ગુનાઓમાં મોટાભાગે નજીકના સગા-સંબંધીઓ, મિત્રો કે પરિચિતો જ વચેટિયા તરીકે સંડોવાયેલા હોય છે.

સાયબર ફ્રોડથી બચવાના અચૂક ઉપાયો

રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા પર અપાતી ટિપ્સથી હંમેશાં દૂર રહો. વધુ પડતું ઊંચું વળતર કે ટૂંક સમયમાં પૈસા ડબલ કરી આપવાની વાતો માત્ર ઠગોની જાળ છે. કોઈપણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં વેબસાઇટ કે પ્લેટફોર્મની અધિકૃતતા ચકાસી લો. જો ક્યારેય ફ્રોડનો ભોગ બન્યા છો, તો છેતરાપિંડી થયાના 1 કલાક (ગોલ્ડન અવર્સ)ની અંદર સરકારી હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવો. ગોલ્ડન અવર્સમાં ફરિયાદ કરવાથી ગુમાવેલી રકમ પાછી મળવાની સંભાવના 90% સુધી વધી જાય છે.

કાયદાકીય અને ભવિષ્યની ગંભીર ચેતવણી

થોડાક કમિશન કે ભાડાની લાલચમાં આવીને તમારા બેંક ખાતાની વિગતો કે ક્રેડેન્શિયલ્સ કોઈને ક્યારેય શેર ન કરો. બેંકો અને આર.બી.આઈ.ના નિયમો કડક હોવા છતાં, ક્યારેક બેંકકર્મીઓની મિલિભગતથી પણ આવા ગેરકાયદે ખાતાઓ ખૂલતા હોય છે. જો તમે તમારું ખાતું અન્યને વાપરવા આપ્યું, તો ભવિષ્યમાં પોલીસ તપાસ, ફોજદારી કેસ, કોર્ટ-કચેરીના ચક્કર અને કાયમી કલંકનો સામનો કરવો પડી શકે છે. તમારી મરણ મૂડી અને સન્માનને બચાવવા માટે સતર્ક બનો.

ઇ-પેપરના નવા શુલ્ક