• ગુરુવાર, 30 જુલાઈ, 2026

સંસદમાં રાહુલે ઇડિયટ શબ્દ વાપર્યો : જોરદાર હંગામો

સ્પીકરે ઇડિયટ શબ્દ સાથેની ટિપ્પણી કાર્યવાહીમાંથી હટાવી

નવી દિલ્હી, તા. 29 : લોકસભામાં એન્ટી પેપર લીક બિલ ઉપર રાહુલ ગાંધીએ સત્તાપક્ષના ભારે શોરબકોર વચ્ચે પોતાની વાત રાખી હતી. તેમણે લોકસભામાં એક છાત્રા સાથે વાતચીતનો હવાલો આપીને સ્ટૂડેન્ટ, ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સત્તા પક્ષ તરફથી રાહુલના અમુક શબ્દો મુદ્દે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી દ્વારા વપરાયેલા અસંસદીય શબ્દો બદલ માફીની માગણી કરી હતી. રાહુલ ગાંધીએ આ દરમિયાન સાફ કર્યું હતું કે તેઓ સત્તા પક્ષના કોઈ સભ્યને ઈડિયટ કહી રહ્યા નથી. બાદમાં ભારે વિરોધનાં કારણે સદનની કાર્યવાહીમાંથી ઈડિયટ શબ્દ હટાવવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, તેઓ પોતાનાં ભાષણની શરૂઆત અમુક યુવા યુવતીઓ સાથે થયેલી વાતચીતથી કરવા માગશે. રાહુલે બાદમાં એક યુવા યુવતી સાથે વાતચીતનો હવાલો આપતા કહ્યું હતું કે છાત્ર એ હોય છે જેનું મન અને દિલ ખુલ્લું રહે છે. યુવતીએ એમ પણ કહ્યું હતું કે લોકોની એક અન્ય ગ્રુપ હોય છે જેને એવો વિશ્વાસ હોય છે કે તેઓ બધુ જાણે છે. તેઓ પોતાને ભગવાન માને છે. આવા લોકોને ઇડિયટ્સ ગણે છે. આ વાત ઉપર સત્તા પક્ષે જોરદાર હંગામો કર્યો હતો અને શબ્દ પરત લેવા માગ કરી હતી. સત્તા પક્ષ તરફથી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિરોધ  વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, નેતા પ્રતિપક્ષે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહી. બાદમાં રાહુલે નિવેદન આગળ વધારતા કહ્યું હતું કે ઈડિયટ એ હોય છે જે કોઈનું સાંભળતા નથી. ત્રીજા ગ્રુપની વાત કરતા કહ્યું હતું કે છેલ્લે આવે છે અંધભક્ત, જે ઇડિયટ્સને ભગવાન માને છે.

રાહુલના આ ભાષણ ઉપર ભારે હંગામો થઈ રહ્યો હતો ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દખલ કરતા સત્તા પક્ષને આગ્રહ કર્યો હતો કે રાહુલને પોતાની વાત આગળ વધારવા દેવામાં આવે અને સ્પીકરને કહ્યું હતું કે સદનના રેકોર્ડ ઉપરથી ઈડિયટ શબ્દ ધરાવતી ટિપ્પણીને હટાવવામાં આવે. સ્પીકરે આ અનુરોધ માનીને ટિપ્પણી સદનની કાર્યવાહીમાંથી હટાવી હતી.

આગળ રાહુલે દાવો કર્યો હતો કે પ્રદર્શનકારી છાત્રો ઉપર બળ પ્રયોગનો આદેશ ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો હતો. રાહુલના નિવેદન ઉપર કિરેન રિજિજૂએ વાંધો ઉઠાવ્યો હતો અને પુરાવા માગ્યા હતા. વધુમાં રિજિજૂએ કહ્યું હતું કે, તેઓ પણ પુરાવા વિના કહી શકે છે કે રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે. કોઈપણ પ્રમાણ વિના આરોપો મૂકી શકાય નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક