• ગુરુવાર, 18 જૂન, 2026

નેપાળ લિપુલેખ મુદ્દે ચીન સામે રોયું

લિપુલેખ, લિંપિયાધુરા, કાલાપાની પર દાવો; ચીને કહ્યું, આ ભારત સાથે તમારો મામલો

નવી દિલ્હી, તા. 17 : ભારત સાથે સંબંધો મજબૂત કરવાની તત્પરતાનો દેખાડો કરતાં નેપાળે ચીન સમક્ષ કાલાપાની અને લિપુલેખનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચીને જવાબ આપતાં જણાવ્યું હતું કે, આ આપ બન્નેનો મામલો છે.

નેપાળી વિદેશમંત્રી શિશિર ખનલે ચીની વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત દરમ્યાન ભારત અને ચીન વચ્ચે લિપુલેખના ઉપયોગની સમજૂતી પર સવાલ ઉઠાવ્યો હતો.

ખનલે પૂછયું હતું કે, આ વ્યવસ્થા ક્યા આધાર પર બનાવાઈ અને તેની પ્રકૃતિ શું છે. જવાબમાં વાંગ યીએ કહ્યું હતું કે, આ મૂળ રૂપે ભારત અને નેપાળ વચ્ચેનો મામલો છે.

ચીની વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ વાતચીતથી જ થઈ શકશે. આ પ્રકારના વિવાદો સંબંધિત દેશો વચ્ચે કૂટનીતિક વાર્તાથી ઉકેલવા જોઈએ.

નેપાળે ફરી દાવો કર્યો હતો કે, કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરા તેના જ ભાગ છે. નેપાળની સહમતી વિના આ ક્ષેત્રોમાં કોઈ પણ સમજૂતી સ્વીકાર્ય નથી, તેવું ખનલે કહ્યું હતું.

ભારત અને ચીને 2020માં લિપુલેખ પરથી કૈલાસ માનસરોવર યાત્રા અને સીમા પાર વેપાર ફરી શરૂ કરવા સહમતી સાધી હતી.

પેટમાં પીડા ઉપડી હોય તેમ તે વખતે નેપાળે આ સમજૂતીનો વિરોધ કરતાં કહ્યું હતું કે, અમારી સહમતી વિના આ સમજૂતી માન્ય નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક