• ગુરુવાર, 18 જૂન, 2026

હવે સપામાં ભંગાણની તૈયારી ?

પૂરી સમાજવાદી પાર્ટી ભાજપમાં સામેલ થવા તૈયાર 

યોગી સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભરના દાવાથી યુપીની રાજનીતિમાં હલચલ : કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, 25-26 સાંસદ પક્ષ બાદલવા તૈયાર

નવી દિલ્હી, તા. 17 : પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉઠાપટકની ચર્ચા વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાંથી પણ એક મોટો દાવો સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી સરકારમાં મંત્રી ઓમપ્રકાશ રાજભરે દાવો કર્યો હતો કે સપામાં મોટી ફૂટ પડવાની છે અને સમાજવાદી પાર્ટીના ઘણા સાંસદો પક્ષ બદલવા માટે તૈયાર છે.

કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સપાના 25થી 26 સાંસદ વર્તમાન સમયે દળ બદલવા અને પક્ષ તોડવા પૂરી રીતે તૈયાર છે. જો કે અત્યારે આ મામલે તૂટ થશે નહીં, 2027ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીમાં આપોઆપ સાંસદો તૂટીને ચાલ્યા જશે. આ અગાઉ સુભાસપા પાર્ટીના અધ્યક્ષ અને યોગી સરકારમાં મંત્રી ઓપી રાજભરે પણ દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટીમાં મોટી ફૂટ પડવાની છે અને રામ ગોપાલ યાદવે ગૃહ મંત્રી અમિત શાહને ચિઠ્ઠી સોંપી છે. રાજભરે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને બંગાળ છોડો, પૂરી સમાજવાદી પાર્ટી ભાજપમાં સામેલ થવા માટે તૈયાર બેઠી છે. રાજભરનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે  જ્યારે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં 2027ની ચૂંટણી માટે હલચલ શરૂ થઈ છે. સત્તાપક્ષ અને વિપક્ષ બન્ને રણનીતિને ધાર આપી રહ્યા છે. આવા માહોલમાં રાજભરનો દાવો ચર્ચાનો વિષય બન્યો છે. સપાના પ્રવક્તા સુનીલ સાજને રાજભર ઉપર પલટવાર કરતા કહ્યું હતું કે, ભાજપ અને તેના સહયોગી દળો ઉશ્કેરાયેલા છે. રાજભર પોતાની દુકાન ચલાવવા દાવા કરી રહ્યા છે. રાજભરે સપા ઉપર હુમલો કરતા કહ્યું હતું કે, અલગ અલગ કેસમાં તપાસ એજન્સીઓ સકંજો કસી રહી છે, તેમ તેમ સપા નેતાઓની બેચેની વધી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક